બનાસ ડેરીએ પર્યાવરણ ક્ષેત્રે કરેલી સુંદર કામગીરી બદલ એજ્યુકેટીવ ડાયરેકટર વિનોદ બાજીયાને એવોર્ડ આપી સન્માનિત કરાયા
ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી દ્વારા નર્મદા હોલ, સ્વર્ણિમ સંકુલ – ૧ ગાંધીનગર ખાતે વન અને પર્યાવરણ વિભાગના મંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે અને વન અને પર્યાવરણ વિભાગના રાજ્યમંત્રી મુકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં પર્યાવરણ સંરક્ષણના વિવિધ પ્રયાસો કરતા પ્રકૃતિ પ્રેમીઓને ક્લાઈમેટ ચેન્જ પુરસ્કાર ૨૦૨૪- ૨૫થી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં સંસ્થાકીય શ્રેણીમાં બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ એટલે કે બનાસ ડેરીને પ્રથમ ક્રમાંક સાથે પુરુસ્કૃત કરવામાં આવી હતી. જેમાં બનાસ ડેરીના એક્ઝીક્યુટીવ ડિરેક્ટર વિનોદ બાજીયા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના એક્ઝીક્યુટીવ ડિરેક્ટર વિનોદ બાજીયાએ બનાસ ડેરી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, બનાસ ડેરી એશિયાની સૌથી મોટી સહકારી ડેરી છે, જે અમૂલ બ્રાંડ નેમ હેઠળનાં તમામ પ્રોડક્ટ બનાવી રહી છે. બનાસ ડેરીએ ૧ કરોડ છોડવાઓ વાવીને ‘હરિયાળો બનાસ’ બનાવવાની નેમ કરી છે. ગત વર્ષમાં ૫૩.૬૪ લાખ છોડવાઓનું વાવેતર દૂધ ઉત્પાદકોની સહભાગીદારીથી કરવામાં આવ્યું હતું.
વધુમાં તેમણે ઉમેર્યું કે, ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં બનાસ ડેરી બનાસકાંઠા જિલ્લામાં પર્વતીય વિસ્તારો હરિયાળું કરવાની બનાસ ડેરીની નેમ છે. જેમાં અંબાજી, દાંતા અને અમીરગઢ વિસ્તારના ડુંગરોમાં સીડ બોલ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવે છે. બનાસ ડેરી દ્વારા દર વર્ષે કરોડો સીડનું રોપણ કરવામાં આવે છે. તેમજ વરસાદી પાણીના સંગ્રહ માટે સરકાર, સહકાર તથા લોક્ભાગીદારીથી ૨૪૫ અમૃત સરોવર બનાવવામાં આવ્યા. ડેરી ઉદ્યોગની સાથે ખેડૂતો માં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે અને જિલ્લામાં વૃક્ષારોપણ વધે તે માટે બનાસ ડેરીના પ્રયત્નોને આજે રાજ્ય સરકારે એવોર્ડ આપી કામગીરીને બિરદ આવી હતી.