ડીસા હાઇવે પર નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવેલી ગટરોમાં ગંદા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે શહેરીજનોનું આરોગ્ય જોખમમાં મુકાયું છે. ચોમાસાની ઋતુમાં આ સમસ્યા વધુ ગંભીર બની છે. આ ગંદકીથી રોગચાળો ફેલાવવાનો ભય વધી રહ્યો છે, અને લોકો આ માટે હાઇવે ઓથોરિટી અને પાલિકાની બેદરકારીને જવાબદાર ઠેરવી રહ્યા છે.
કારણ ઓથોરિટી અને પાલિકા વચ્ચે જવાબદારી અંગેની ખેંચતાણ ચાલી રહી છે. હાઇવે ઓથોરિટી દાવો કરે છે કે આ સમસ્યાનું સમાધાન પાલિકા દ્વારા થવું જોઈએ, જ્યારે પાલિકાનું કહેવું છે કે હાઇવે પરની ગટરોની જવાબદારી ઓથોરિટીની છે. આ “ખો-ખો”ની રમતમાં નાગરિકો પીડાઈ રહ્યા છે. ગટરોમાં વર્ષોથી ભરાયેલા ગંદા પાણીથી મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે, જે મેલેરિયા, ડેન્ગ્યુ અને અન્ય પાણીજન્ય રોગોનું કારણ બની શકે છે. ગટરોની હાલત અત્યંત ખરાબ છે. ઘણા સ્થળોએ ગટરોના ઢાંકણા તૂટી ગયા છે, જેના કારણે અકસ્માતનો ભય પણ વધ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. લોકો નેતાઓ અને સંબંધિત વિભાગોની બેદરકારીથી નારાજ છે. આરોગ્ય વિભાગ પણ ઊંઘમાં ઘોરે છે.
એક તરફ, નેતાઓ ફોટો સેશન અને પ્રચારમાં વ્યસ્ત છે, જ્યારે બીજી તરફ જનતા ગંદકી અને રોગચાળાની ચિંતાથી ત્રસ્ત છે. આ સમસ્યાનું નિવારણ લાવવાની જવાબદારી ધરાવતું આરોગ્ય વિભાગ પણ કુંભકર્ણ નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે.જો તાત્કાલિક કોઈ પગલાં લેવામાં નહીં આવે તો પરિસ્થિતિ વધુ વણસી શકે છે અને મોટા પાયે રોગચાળો ફાટી નીકળી શકે છે. આગામી સમયમાં જો આ સમસ્યાનું સમાધાન નહીં થાય તો નાગરિકો માટે મોટો ખતરો ઉભો થશે. સંબંધિત વિભાગોએ એકબીજા પર દોષારોપણ કરવાનું બંધ કરીને સંયુક્ત રીતે કામ કરવું જોઈએ અને આ ગંદકીને દૂર કરવી જોઈએ. નાગરિકોના આરોગ્યને પ્રાધાન્ય આપવું એ સરકારી તંત્રની ફરજ છે.

