જિલ્લાના અનેક ભાગોમાં મધરાતથી જ કમોસમી વરસાદ શરૂ થયો
માવઠાથી ખેતીના પાકોને નુકશાનને લઇ ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા
ચોમાસુ મગફળી સહિત બટાકાના વાવેતરને મોટુ નુકશાન થવાની શક્યતાઓ
ગુજરાત રાજ્ય પર સર્જાયેલી વરસાદની ત્રણ સિસ્ટમો ને લઇ હવામાન વિભાગ દ્વારા ૨ નવેમ્બર સુધી ગુજરાતના અનેક ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જેમાં અરબ સાગરમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશનના કારણે ગુજરાતના અનેક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ થવા પામ્યો છે જેને લઇ ઉત્તર ગુજરાતમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરી હતી. તે મુજબ બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લામાં પણ ગતરોજ આવેલા હવામાનમાં અચાનક પલટા થી અનેક ભાગોમાં મધરાત થી કમોસમી વરસાદ શરૂ થયો હતો. જેને લઇ ખેડૂતોમાં ચિંતાનો માહોલ પ્રસરી ઉઠી છે. ખેડૂતોની ચોમાસુ મગફળી તથા રવી સીઝનના વાવેતર કરેલ બટાકા રાયડો સહિત ના અન્ય પાકો ને કમોસમી વરસાદને કારણે મોટુ નુકશાન ની ભીતી સેવાઈ રહી છે.
શિયાળા ની શરૂઆતમાં જ કમોસમી વરસાદ ના કારણે ખેડૂતોને પોતાના ખેતરોમાં પડેલો માલ વરસાદ થી પલડતો બચાવવા ભારે દોડધામ કરવી પડી હતી. પશુઓનો ઘાસચારો બગડે નહીં તે માટે મેણીયા તેમજ તાડપત્રીઓ ઢાંકી દેવામાં આવી હતી જેને લઇ મેણિયા તેમજ તાડપત્રીની દુકાનોમાં ધરાકી ખુલી છે.
હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે તેવામાં જિલ્લામાં જો ત્રણ દિવસ સુધી વરસાદ વરસે તો ખેતી પાકને મોટું નુકસાન થઈ શકે છે. જેને લઇ ખેડૂતોનો જીવ પણ તાળવે ચોંટયો છે. જિલ્લાના કેટલા ભાગોમાં બપોર બાદ વરસાદનું જોર વધ્યું હતું અને ભારે વરસાદી જાગતો પડતા રોડ રસ્તાઓ ઉપર પણ પાણી વહેતું થયું હતું તો ખેતરોમાં પણ પાણી ભરાતા રવિસીઝન ની વાવણીની કામગીરી પર બ્રેક લાગી જવા પામી છે.
કમોસમી વરસાદથી ખેડૂતોને પડતા પર પાટુ
ડીસા પંથકમાં બટાટાની વાવણી કામગીરી પુરજોશમાં ચાલી હતી. મોધાભાવનું બિયારણ લાવી વાવેતર કરવામાં આવી રહ્યું છે તેવા સમયે કમોસમી વરસાદ થતા બટાટાના વાવેતર પર પણ તેની અસર જોવા મળશે આ ઉપરાંત ચોમાસું પાકોમાં મગફળી સહિતના અન્ય પાકો પાડવા ખેતરોમાં પડ્યા હોવાથી વરસાદના કારણે આ પાકો ઉપર પણ મોટું નુકસાન થયું છે. ચાલુ વર્ષે સતત ત્રણેય સીઝન માં વરસાદના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે.
અચાનક શરૂ થયેલા વરસાદથી માલમત્તાને પણ નુકસાન
શિયાળાની શરૂઆતમાં કમોસમી માવઠુ થતા ખેડૂતોના ખેતરમાં પડેલો ઘાસચારો સહિત અનેક માલમતાને વરસાદથી વ્યાપક નુકશાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જિલ્લામાં ચોમાસુ બાજરી મગફળી સહિતના પાકો લેવાની કામગીરી ચાલુ છે. તેવા સમયે વરસાદથી આ પાકોને મોટું નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતોને મોમાં આવેલ કોળીયો છીનવાઇ રહ્યો છે.
મોંઘવારીમાં માર વચ્ચે ખેડૂતોને કુદરતનો થપાટ
દિવસેને દિવસે વધતી જતી મોંઘવારી ની અસર ખેતી પર પણ પડી રહી છે મોંઘાદાટ બિયારણો વધતા જતા ખાતર તથા ડીઝલના ભાવો થી જેથી પણ હોય એ મોંઘી પડી રહી છે ત્યારે કુદરત પણ ખેડૂતોને શિયાળા માં કમોસમી વરસાદ ની થપાટ આપતા ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે.


