ચારધામની યાત્રાએ ગયેલા યાત્રીઓ સાથે પરિવારજનોનો સંપર્ક ન થતાં ચિંતા વધી
ટૂરના ડ્રાઇવરની સાથે વાત થતાં તમામ યાત્રીઓ ગંગોત્રી સુરક્ષિત હોવાનું જણાવ્યું; પાટણ જિલ્લા માંથી ચારધામની યાત્રાએ ગયેલા 24 જેટલા યાત્રિક ઉત્તરાખંડમાં ફસાતાં સંપર્ક વિહોણા બન્યા છે, જેથી પરિવારજનો ચિંતિત બન્યા છે. હારીજ ખાતે રહેતા પરિવારના સભ્યો સાથે ટૂરના ડ્રાઇવરની વાત થતાં તેઓ ગંગોત્રી સુરક્ષિત હોવાનું જણાય છે, પરંતુ પરિવારના કોઈપણ સભ્યનો ત્યાંથી ટેલિફોનિક સંપર્ક ન થતાં પરિવાર હજુ ચિંતિત બન્યો છે. પરિવારજનો જણાવી રહ્યાં છે કે અમારે ડ્રાઇવર સાથે વાત થઇ છે, તેમનું કહેવું છે કે બધા સુરક્ષિત છે, પણ પરિવારના સભ્યો જોડે વાત ન થાય ત્યાં સુધી કંઈ કહી ન શકાય.
હારીજથી પહેલીઓગસ્ટે ચારધામની યાત્રા કરવા માટે રાવળ સમાજના સગાંસંબંધીઓનું 12 સભ્યનું ગ્રુપ ટ્રેનમાં રવાના થયું હતું. જ્યારે ચાણસ્મા અને વડાવલીના મળીને 24 જેટલા પ્રવાસીનો ઉત્તરાખંડમાં મંગળવારે વાદળ ફાટવાની ઘટના બાદ મોડીરાતથી સંપર્ક થઈ રહ્યો નથી. તમામ લોકોના ફોન સ્વિચઓફ આવી રહ્યા હોવાથી તેઓ સંપર્કવિહોણા બનતાં હારીજનો રાવળ પરિવાર તેમની ભાળ મેળવવા માટે તંત્રમાં જાણ કરી છે, સાથે જ પરિવારના તમામ સભ્યો ચિંતિત બન્યા છે.
ચારધામની યાત્રાએ ગયેલા રમેશભાઈ રાવળના દીકરા પ્રવીણભાઈ રાવળે જણાવ્યું હતું કે મમ્મી-પપ્પા, કાકા-કાકી અને બીજા સંબંધીઓ સાથે પહેલી ઓગસ્ટના રોજ ચારધામની યાત્રાએ નીકળ્યા હતા. ગંગોત્રી પહોંચતાં પહેલાં મંગળવારે વાત થઈ ત્યારે તમામ સ્વસ્થ હતા. વાદળ ફાટવાની ઘટના અંગે અમને જાણ થતાં સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, અમારે તેમના કોઈ સંપર્ક ન થતાં અમે ચિંતાતુર છીએ, છેલ્લે લોકેશન ગંગોત્રીમાં બતાવે છે, પણ સંપર્ક થતો નથી. તમામ લોકો 50 વર્ષથી વધુ ઉંમરના છે.
ગત મોડીરાત્રે ટૂર લઈ જનાર ડ્રાઇવર સાથે ટેલિફોનિક વાત થઈ હતી. તેમણે અમને જણાવ્યું હતું કે ગાડી નીચે ઊભી છે અને યાત્રિકો ગંગોત્રીમાં સુરક્ષિત જગ્યાએ છે. પાટણ ઉપરાંત ગંગોત્રીમાં 400 થી વધુ લોકો સુરક્ષિત જગ્યાએ રખાયા હોવાનું ડ્રાઇવરે જણાવ્યું છે, જેથી પરિવારજનોએ થોડો હાશકારો અનુભવે છે, પરંતુ હજી સુધી પરિવારના કોઈપણ સભ્યનો ટેલિફોનિક સંપર્ક ન થતાં હાલમાં પણ પરિવાર ચિંતિત છે.
બીજી તરફ ચાણસ્માના વડાવલી ગામના નવ જેટલા પ્રવાસી ફસાતાં પરિવારજનો ચિંતિત છે. આ અંગે ગામના સરપંચ દ્વારા વહીવટી તંત્રને પણ જાણ કરવામાં આવી છે. અહીં પણ પરિવારના સભ્યોની ડ્રાઇવર સાથે વાત થતાં તેઓ સુરક્ષિત હોવાનું જણાવ્યુ છે, પરંતુ પરિવારના કોઈપણ સભ્યનો ત્યાંથી ટેલિફોનિક સંપર્ક ન થતાં પરિવાર હજુ ચિંતિત બન્યો છે. વડાવલી ગામમાં યાત્રિકોના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે ત્રણ દિવસ અગાઉ ટેલિફોનિક વાતચીત થઈ હતી, એમાં તેમણે જણાવ્યું હતું કે ત્રણ ગાડી લઈને અમે ગણગોત્રી જવા નીકળ્યા છીએ, રાત્રે અમારો સંપર્ક કરજો, પરંતુ ત્યારથી અત્યારસુધી કોઈપણ વ્યક્તિ સાથે ટેલિફોનિક વાતચીત થઈ નથી. હાલમાં તમામ લોકોના ફોન બંધ આવે છે, જેથી અમે ચિંતામાં મુકાયા છીએ.વડાવલી ગામના સરપંચે જણાવ્યું હતું કે વહીવટી તંત્રના અધિકારીઓને ગામમાંથી ચારધામની યાત્રાએ ગયેલા તમામ યાત્રિકોની ટેલિફોન નંબર સાથેની માહિતી આપવામાં આવી છે. પરિવારના એક સભ્ય- ગાડીના ડ્રાઈવર સાથે વાતચીત થતાં પરિવારના સભ્યો સુરક્ષિત હોવાનું જણાવ્યું છે.
આ અંગે પાટણ નિવાસી અધિક કલેક્ટર વી.સી. બોડાણાએ જણાવ્યું હતું કે પાટણ જિલ્લાના હારીજ અને ચાણસ્મા તાલુકા માંથી કુલ 15 જેટલા યાત્રાળુ ઉત્તરાખંડ રાજ્યમાં યાત્રાએ ગયા છે તેના ઉત્તર કાશીના કંટ્રોલ રૂમ સાથે અમે સંપર્કમાં છીએ, તેના ટૂર ઓપરેટર સાથે પણ વાતચીત થઈ છે અને તમામ યાત્રાળુઓ સુરક્ષિત છે. તેમના પરિવારનો પણ સંપર્ક કરી તેમનાં પરિવારજનો સહી સલામત છે એવું જણાવ્યું છે. ત્યાંનું વાતાવરણ હાલ સારું ન હોઈ, કનેક્ટિવિટી મોબાઈલ કનેક્ટિવિટી ડેમેજ છે માટે તે લોકોનો સંપર્ક થઈ શકતો નથી, વાતાવરણ સુધરશે ત્યારે હેલિકોપ્ટર મારફત તેમનું રેસ્ક્યૂ કરી વારાફરથી અપડેટ લિસ્ટ કરવામાં આવશે તેવું તેઓએ જણાવ્યું હતું.


