દોઢ મહિનામાં અંદાજે 24 લાખથી વધુ ગાય-ભેંસ વર્ગના પશુઓને ખરવા મોવાસા વિરોધી રસીકરણ કરાશે

દોઢ મહિનામાં અંદાજે 24 લાખથી વધુ ગાય-ભેંસ વર્ગના પશુઓને ખરવા મોવાસા વિરોધી રસીકરણ કરાશે

વિષાણુજન્ય ચેપી રોગથી દુધાળા પશુઓના દુધ ઉત્પાદનમાં કાયમી ઘટાડો : પશુપાલન અધિકારી

એશિયામાં નંબર વન બનાસ ડેરી ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં પંદરમી માર્ચથી ગાય-ભેંસ વર્ગના પશુઓને ખરવા મોવાસા રોગ સામે સુરક્ષિત કરવા રસીકરણ કરવાનું અભિયાન શરૂ કરવામાં આવેલ છે. જિલ્લામાં આ રસીકરણ અભિયાન દોઢ મહિના સુધી ચાલશે. તેમાં 24 લાખ ગાય-ભેંસ વર્ગના પશુઓને આવરી લેવાશે.હાલ જુદી જુદી ટીમો દ્વારા પશુ રસીકરણ અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે.

ખરવા મોવાસાએ પશુઓમાં ફેલાતો વિષાણુજન્ય ચેપી રોગ છે. તેનાથી દુધાળા પશુના દુધ ઉત્પાદનમાં અને બળદની કાર્યક્ષમતામાં કાયમી ઘટાડો થવાથી પશુપાલકને મોટું નુકશાન થઈ શકે છે.તેમ પશુપાલન અધિકારીએ જણાવી રસીકરણ અભિયાન તારીખ 15મી માર્ચથી પ્રારંભ કરવામાં આવેલ છે. જેમાં પશુપાલન નિયામક દ્વારા જિલ્લા તંત્રને આપવામાં આવેલી સુચનાઓ મુજબ જિલ્લા કક્ષાએ રસીનો ૧ ટકા જથ્થો અનામત રાખવા, રસીકરણ દરમિયાન કોલ્ડ ચેઈન જળવાય તે જોવા તથા રખડતા ટેગ વગરના પશુઓને પણ રસીકરણમાં આવરી લેવા સાથે સાથે બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ નિયમાનુસાર કરવા અને આ ઝુંબેશના સમયગાળા દરમિયાન બિમારીના કારણે કે અન્ય કારણોસર રસીકરણથી બાકાત રહેલા પશુનો રેકોર્ડ રાખી બાદમાં તેનું અચૂક રસીકરણ કરવા સહિતની વ્યવસ્થાઓ ગોઠવવાની બાબતો સામેલ છે.તેમ તેમણે ઉમેર્યું હતું.

6 મહિનાથી વધુ ઉંમરના ગાય અને ભેસ વર્ગના પશુઓને જ રસી મુકી શકાય; ખરવા મોવાસા રસીકરણ ઝુંબેશમાં 6 મહિનાથી વધુ ઉંમરના ગાય-ભેંસ વર્ગના પશુઓને આવરી લેવામાં આવશે. આ પશુ રોગ સંબંધે જિલ્લા પશુપાલન અધિકારી ડો. મહેશકુમાર ગામીએ જણાવેલ છે કે, વિષાણુથી થતાં અને ફેલાતા આ રોગના પગલે પશુને તાવ આવે, મ્હોમાંથી લાળ પડવા લાગે, મ્હો અને ખરીમાં ચાંદા પડે, પશુ લંગડાવા લાગે સહિતના લક્ષણો દેખાવા લાગે છે. તેની માઠી અસરથી દુધાળા પશુના દુધ ઉત્પાદ્દનમાં અને બળદની કાર્યક્ષમતામાં કાયમી ઘટાડો થઈ શકે છે  અને પશુ ગાભણ હોય તો તરવાઈ જવાની સંભાવના વધી જાય છે. અસરગ્રસ્ત પશુ બિમારી બાદ પણ ગરમી સહન કરવાની શક્તિ પશુ ગુમાવી દે છે.તેથી પશુઓને અચૂક રસીકરણ કરાવવાની પશુપાલકોને અપીલ પણ કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *