નિમણૂકોથી જિલ્લાની બિન-સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની અછત દૂર થશે
પાટણ જિલ્લામાં બિન-સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે 66 શિક્ષણ સહાયકોની નિમણૂક કરવામાં આવી છે. એસ.એમ.દેસાઈ ગોપાલક હાઈસ્કૂલ, માતરવાડી ખાતે આયોજિત કાર્યક્રમમાં નવનિયુક્ત શિક્ષકોને ભલામણપત્ર અને નિમણૂક હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ભરતી પ્રક્રિયા શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્યના કમિશનર શાળાઓની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી.
જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શિક્ષક સંઘ પ્રતિનિધિ, શિક્ષણ પ્રતિનિધિ અને વહીવટી સંઘ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ નિમણૂકોથી જિલ્લાની બિન-સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની અછત દૂર થશે. શિક્ષણ કાર્યને નવો વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણાધિકારી અને અન્ય મહાનુભાવોએ નવનિયુક્ત શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી હતી.


