બનાસકાંઠા જિલ્લાના બાગાયતદાર ખેડૂતો માટે વર્ષ 2025-26માં વિવિધ સહાય યોજનાઓ જાહેર કરવામાં આવી છે. આ યોજનાઓ માટે ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. યોજનાઓમાં મીની ટ્રેકટર અને તેના સાધનોની ખરીદી પર સહાય આપવામાં આવશે. આ ઉપરાંત ફળપાક વાવેતર, સ્ટ્રોબેરી, અનાનસ, કાજુ અને અન્ય ફળપાકોની ખેતી માટે પણ સહાય મળશે.
સુગંધિત પાકો, ઔષધિય પાકો, શાકભાજી પાકો અને ફૂલોની ખેતી માટે પણ સહાય ઉપલબ્ધ છે. પોલીહાઉસ અને નેટહાઉસમાં ઉગાડવામાં આવતા પાકો માટે વિશેષ સહાય આપવામાં આવશે. મધમાખી પાલન, નાની નર્સરી, ટિશ્યુકલ્ચર લેબની સ્થાપના અને કલમોના ઉત્પાદન માટે પણ સહાય યોજનાઓ છે. સંગ્રહ અને સંકલન કેન્દ્ર, પ્રી-કૂલિંગ યુનિટ, કોલ્ડ સ્ટોરેજ અને પ્રોસેસિંગ યુનિટ માટે પણ સહાય મળશે.
ખેડૂતોએ 10 મેથી 31 મે 2025 સુધી અરજી કરવાની રહેશે. નવા પોર્ટલ 2.0 પર નોંધણી કર્યા બાદ જ ઓનલાઈન અરજી કરી શકાશે. જરૂરી દસ્તાવેજો અપલોડ કરી અરજીની પ્રિન્ટ રાખવાની રહેશે. મંજૂરી મળ્યા બાદ કલેઈમ ફાઈલ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, પાલનપુરમાં જમા કરાવવાની રહેશે.

