અમદાવાદમાં થયેલી હિંસાની ઘટના બાદ રાજ્ય સરકારે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. ડીજીપીના આદેશ મુજબ 100 કલાકની અંદર અસામાજિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલા લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે. કડી શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 60 જેટલા અસામાજિક તત્વોની યાદી બનાવી સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પોલીસે હત્યા, અપહરણ, છેડતી અને ગેંગવોર જેવા ગુનાઓમાં સંડોવાયેલા હનીફ ઉર્ફે જાડી કાદરભાઈ વેપારી અને ઇરફાન ઉર્ફે ગીરી મલેકના ઘુમટીયા તળાવ કિનારેના ગેરકાયદે દબાણો દૂર કર્યા છે.
કોર્ટની સામે હનીફ ઉર્ફે જાડીનું દબાણ અને નાની કડી વિસ્તારમાં મિહિર આચાર્યનું ગેરકાયદે બાંધકામ પણ દૂર કરવામાં આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન મહેસાણા એલસીબી, એસ.ઓ.જી અને કડી પોલીસનો સ્ટાફ હાજર રહ્યો હતો. આગામી દિવસોમાં વધુ અસામાજિક તત્વોના વીજળી અને પાણીના જોડાણો કાપીને દબાણો દૂર કરવામાં આવશે. આ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. દબાણો દૂર કરતી વખતે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા.