એક મહિલા સહિત ચાર સામે ફરીયાદ નોંધાતાં ચકચાર; બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે રહેતી એક મહિલાએ એક વિદ્યા સહાયકને સોશિયલ મીડિયામાં વિશ્વાસમાં કેળવી હની ટ્રેપમાં ફસાવી સાગરીતોની મદદથી એક લાખની માંગણી કરી ૧૧ હજાર પડાવ્યા હોવાની મહિલા સહિત ચાર સામે ફરીયાદ ભાભર પોલીસ મથકે નોંધાઇ છે.
મળતી માહિતી મુજબ માલતી ત્રિવેદી નામની મહિલા ભાભર ખાડીયા બજારની શેરીમાં રહે છે. તેણે કાંકરેજ તાલુકાના માંડલા ગામના વિદ્યા સહાયક સચીન ચૌધરીનો સોશિયલ મીડિયામાં પરિચય કેળવી વિશ્વાસમાં લીધો હતો અને વોટ્સએપ બાદ ફોન ઉપર વાત ચીત કરી અન્ય ત્રણ સાગરિતોની મદદથી તેના ઘરે ઉપરના માળે બોલાવ્યો હતો. જ્યાં થોડીક વાતચીત બાદ અડપલાં કરી નીચેથી ત્રણ અન્ય સાગરીતોને બોલાવી બળજબરીથી સચીનના કપડા ઉતારીને વીડિયો બનાવ્યો હતો. બાદમાં ચારેયે સચીનને એક લાખ રૂપિયા આપ નહિતર સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરી દેવાની અને બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી. તેના એટીએમમાં ૧૧ હજાર પડ્યા હતા. તે ઉપાડ્યા ન હતાં પણ તેણે અન્ય વ્યક્તિ પાસેથી રોકડા લઈને આરોપીઓને આપ્યાં હતાં અને બાકીના પૈસા પછી આપવાનું કહી જતો રહ્યો હતો.ત્યારબાદ આ સમગ્ર ઘટના સચિને તેનાં સંબંધીને કહી ભાભર પોલીસ મથકે મહિલા સહિત ચાર આરોપીઓ સામે ફરીયાદ નોંધાવી હતી. જેથી પોલીસે મહિલા સહિત ચાર સામે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કોની સામે ફરીયાદ નોંધાઈ?
૧. માલતીબેન કાન્તિભાઈ ત્રિવેદી રહે. ભાભર જુના ખાડીયા બજાર
૨. કાદર ઉર્ફે ટીનો અહમદ મીર રહે. ઉચોસણ,
૩. વિક્રમસિંહ ભરતસિંહ રાઠોડ રહે. ભાભર જુના
૪. ભરતસિંહ ભીખુભા રાઠોડ રહે. ભાભર જુના