વારંવાર ગૌવંશ પર એસિડ એટેકથી જીવદયાપ્રેમીઓમાં આક્રોશ
ગૌવંશ પર એસિડ એટેક નહિ અટકે તો ચક્કજામની ચીમકી
પાલનપુર તાલુકાના ખેમાણા ગામ પાસે કોઈ નરાધમ તત્વો દ્વારા ગૌ માતા પર એસિડ એટેક કરવાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. ગૌ માતા પર એસિડ એટેકથી જીવદયાપ્રેમીઓમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે. ત્યારે ગૌભક્તોએ એસિડ એટેક કરનારાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
ખેમાણા પાસે અજાણ્યા શખ્સો એ ગાય માતા ઉપર એસિડ નાખ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. ગાય માતા ઉપર એસિડ રેડતા ગાય માતા ગંભીર રીતે દાઝી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ખેમાણા ગામના ગ્રામજનોએ ઓનલાઇન પશુ સેવા કેન્દ્રમાં ફોન કરતાં ડોકટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં ડોક્ટરો દ્વારા ગાય માતાની સારવાર શરૂ કરવામાં આવી હતી. દરમિયાન વારંવાર ગૌવંશ પર થતા એસિડ એટેકને પગલે ગ્રામજનોએ પાલનપુર તાલુકા પોલીસને જાણ કરી હતી. ગૌ ભક્તોએ વારંવાર થતા એસિડ એટેક સામે ઉગ્ર રોષ ઠાલવી એસિડ નાખનાર શખ્સોને પકડીને કડક કાર્યવાહીની માંગ કરી હતી.
ગૌવંશ પર 7 એસિડ એટેક: 2 નંદીના મોત: ખેમાણા પાસે છાશવારે ગૌવંશ પર થતા એસિડ એટેક સામે ગૌ ભક્તોએ ભારે ઉભરો ઠાલવ્યો હતો. અત્યાર સુધીમાં 7 જેટલી ગાયો પર એસિડ એટેક થયો છે. જેમાં 2 નંદી ના મોત થયા હોવાનું જણાવી ગૌભક્તોએ એસિડ છાંટવામાં આવતો નથી. પણ રીતસર ગૌમાતા પર એસિડ રેડવામાં આવે છે. જેથી ગાય માતાઓની અરેરાટીભરી સ્થિતિ જોઈ ગૌભક્તોએ એસિડ એટેક કરનારાઓને ઝડપી લેવાની માંગ કરી હતી.
એસિડ એટેક નહિ રોકાય તો ચક્કાજામ: ખેમાણા પાસે અવાર નવાર ઇરાદાપૂર્વક ગૌવંશ પર થતા એસિડ એટેક સામે ગૌ ભક્તો સહિત ગ્રામજનોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે. ત્યારે ગૌભક્તોએ ગૌ વંશ પર એસિડ એટેક કરનારા નઠારા તત્વોને ઝડપી લઈ તેઓને કાયદાકીય સજા કરવાની માંગ કરી હતી. જો એસિડ એટેકની ઘટનાઓ નહિ અટકે તો ખેમાણા ટોલનાકા પર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શિત કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.