પાટણ કોર્ટમાં વકીલ રૂમમાં ઘૂસી અજાણ્યા શખ્સે વકીલો પર છૂટ્ટુ ધારિયું ફેકતા અફડા-તફડી મચી

પાટણ કોર્ટમાં વકીલ રૂમમાં ઘૂસી અજાણ્યા શખ્સે વકીલો પર છૂટ્ટુ ધારિયું ફેકતા અફડા-તફડી મચી

વકીલોની સમયસૂચકતા આબાદ બચાવ : શખ્સને પકડી પોલીસ હવાલે કરાયો

કોટૅની સુરક્ષા સામે સવાલ…અણધાર્યા હુમલાથી વકીલો હડતાળ પર ઉતર્યા

પાટણ જિલ્લા અદાલતના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા વકીલ રૂમમાં મંગળવારે એક અજાણ્યા શખ્સે ધારિયા વડે વકીલો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાથી કોર્ટ પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે. સદનસીબે, આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વકીલોએ કામકાજથી અળગા રહીને હડતાળ જાહેર કરી છે.

હાજર વકીલોએ હુમલાખોરને પકડી પોલીસને સોંપ્યો હતો. આ ઘટના પાટણ જિલ્લા કોર્ટમાં દિવસ દરમિયાન બની હતી, જ્યારે 200 થી વધુ વકીલો ગ્રાઉન્ડ ફ્લોર પરના વકીલ રૂમમાં હાજર હતા. અજાણ્યા હુમલાખોરે પોતાના ફેટામાં છુપાવેલું ધારિયું કાઢીને વકીલો પર ફેંક્યું હતું. આ અણધાર્યા હુમલાથી અફરાતફરી મચી ગઈ હતી, પરંતુ કોઈ વકીલને ઈજા થઈ ન હતી. હાજર વકીલોએ હિંમતભેર હુમલાખોરને પકડી પાડી બી-ડિવિઝન પોલીસને સોંપ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસનો મોટો કાફલો કોર્ટ પરિસરમાં પહોંચ્યો હતો. સુરક્ષામાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોવાનો આક્ષેપ વકીલોએ કયૉ હતા. આ ઘટનાને કારણે વકીલોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો હતો. આ મામલે વકીલ આર.ડી. દેસાઈએ જણાવ્યું હતું કે, હુમલાખોર અગાઉ પણ બે-ચાર વખત વકીલ રૂમમાં આવ્યો હતો. વકીલોએ આક્ષેપ કર્યો છે કે, 10 દિવસ પહેલા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી કે કોર્ટમાં અજાણી વ્યક્તિઓની તપાસ કરવામાં આવે અને હથિયારધારી પોલીસની તૈનાતી વધારવામાં આવે. તેમ છતાં સુરક્ષામાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું.

 

સૂત્રોના જણાવ્યા અનુસાર, કોર્ટમાં બે દિવસ પહેલા જ મેટલ ડિટેક્ટર મૂકવામાં આવ્યું હતું, પરંતુ તેનું ફિટિંગ બાકી હોવાથી તેનો ઉપયોગ શરૂ થયો નહોતો. આનો લાભ લઈને હુમલાખોર હથિયાર સાથે અંદર ઘૂસી શક્યો હતો.પાટણ જિલ્લા ડિસ્ટ્રિક્ટ બારના પ્રમુખ સુભાષ એચ. ઠાકોરે આ હુમલાને ગંભીર ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, વકીલોની સુરક્ષા સાથે કોર્ટ પરિસરની સુરક્ષા પણ અનિવાર્ય છે. વકીલોએ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ (PDJ) સમક્ષ માંગણી કરી છે કે આ મામલે જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે અને ઘટના સ્થળનું પંચનામું કરવામાં આવે. વકીલોએ ઘટનાના CCTV ફૂટેજની પણ માંગણી કરી છે.

તેમણે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી પોલીસ ફરિયાદ અને પંચનામું નહીં થાય ત્યાં સુધી તેઓ કામકાજથી અળગા રહેશે.તો આ સમગ્ર મામલે વકીલો દ્વારા ‘એડવોકેટ પ્રોટેક્શન એક્ટ’ની માંગણી તેજ કરવામાં આવી છે. વકીલોનું કહેવું છે કે જેમ હોસ્પિટલોમાં ડોક્ટરોની સુરક્ષા માટે કાયદાકીય જોગવાઈઓના બોર્ડ હોય છે, તેમ વકીલો પર થતા હુમલા રોકવા માટે પણ કડક પ્રોટેક્શન બિલ લાવવું જોઈએ. હાલમાં પાટણના તમામ વકીલો કામકાજ બંધ રાખી હડતાળ પર ઉતર્યા છે અને એસ.પી. તેમજ કલેક્ટરને રજૂઆત કરી હથિયારધારી પોલીસ અને કડક ચેકિંગની માંગણી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *