સરકારી વિનયન કોલેજ, સુઈગામ ખાતે નશામુક્તિ અંગે એક અતિ મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કોલેજના આચાર્ય ડૉ.ડી.એન. દેવરીના માર્ગદર્શન હેઠળ, કોલેજના એન્ટી-ડ્રગ ક્લબ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ભરડવાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નશામુક્તિ અંગેની વકતૃત્વ સ્પર્ધા રખાયો હતો જેમાં કુલ ૧૧ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ નશાના દુષ્પરિણામો અને નશામુક્ત જીવનના મહત્વ વિશે વાત કરી હતી. આ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનારા વિદ્યાર્થીઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરડવા દ્વારા આકર્ષક ઇનામો આપવામાં આવ્યા હતા. તમામ પ્રતિભાગી વિદ્યાર્થીઓને પણ પેન ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં કોલેજના ૧૧૧ વિદ્યાર્થીઓ, તમામ કોલેજ સ્ટાફ, ૦૨ મેડિકલ ઓફિસરઓ અને આશાવર્કર બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં તબીબી અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, દર વર્ષે ગુજરાતમાં અને દેશમાં હજારો લોકો નશાને કારણે મૃત્યુ પામે છે. આવી સ્થિતિમાં આવા કાર્યક્રમો દ્વારા જાગૃતિ ફેલાવવી ખૂબ જ જરૂરી છે.