અંબાજી મેળામાં ખોવાયેલી 13 વર્ષની દીકરીનું પરિવાર સાથે ભાવુક મિલન
રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાની બિછીવાડા વિસ્તારની બાળકીનું 15 કલાકની મહેનત બાદ પરિવાર સાથે પુનઃમિલન
અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં લાખો યાત્રાળુઓની ભીડ વચ્ચે 13 વર્ષની મોનિકા ભુરાભાઈ ડોડિયા ભટકી જતાં પરિવાર ચિંતામાં મૂકાયો હતો. મોનિકા ગભરાઈ જતા ન બોલી શકતી હતી કે ન તેને પોતાનું સરનામું યાદ આવતું હતું. બાળ સહાયતા કેન્દ્રના શિક્ષક મિત્રોની ટીમે તેને સુરક્ષિત રીતે મુખ્ય કન્ટ્રોલ પોઇન્ટ સુધી પહોંચાડી નોંધણી કરી હતી. ત્યાં શ્રવણકુમાર શ્રીમાળીની સતર્કતાથી મોનિકાએ કાગળ પર પોતાનું નામ અને ગામ લખ્યું. આ સુત્ર દ્વારા અંબાજી હેલ્પ ડેસ્કે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના કલેકટર અંકિત સિંહ સાથે સંપર્ક કર્યો હતો. પોલીસ અને સ્થાનિક અધિકારીઓના સહયોગથી પરિવાર સુધી માહિતી પહોંચાડવામાં આવી હતી.
15-18 કલાકની સતત કોશિશ બાદ મોનિકાને તેના પરિવાર સાથે ભાવનાત્મક પુન:મિલન કરાવવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન બાળ સહાયતા કેન્દ્રની બહેનો દ્વારા મોનિકાને પોતાની દીકરીને જેમ સાચવીને સંભાળ લેવામાં આવી હતી. આ ઘટના અંબાજી મેળામાં કાર્યરત ટીમની સતર્કતા, તંત્રની ઝડપ અને માનવીયતા ભરેલા પ્રયત્નોની જીવંત સાબિતી છે. પરિવાર સાથે પુન:મિલન થતા દીકરીના પરિવારે મુખ્ય કંટ્રોલના ઇન્ચાર્જ જિલ્લા આયોજન અધિકારી આઈ.એલ.પરમાર સહિત તમામ અધિકારી, કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

