અંબાજી મંદિર ખાતે USA ગ્રુપ તરફથી માતાજીને મૂલ્યવાન ભેટ અર્પણ કરવામાં આવી છે. ગ્રુપના સભ્યો દિનેશભાઈ ભટ્ટ અને માનસીબેન શર્માએ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને એક ચાંદીનો થાળ, બે ચાંદીના વાટકા અને એક ચાંદીની આરતી ભેટ સ્વરૂપે આપ્યા છે. આ સમગ્ર ભેટની કુલ કિંમત 6,17,390 રૂપિયા છે. દાન કરાયેલી વસ્તુઓનું કુલ વજન 6 કિલો 494 ગ્રામ છે. આ દાન 27 ફેબ્રુઆરી 2025ના રોજ કરવામાં આવ્યું છે.
શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતા અંબાજી મંદિરમાં દરરોજ હજારો માઈભક્તો દર્શન કરવા આવે છે. મંદિરમાં સોના-ચાંદીના દાનનો પ્રવાહ અવિરત ચાલુ રહે છે. ભક્તો માતાજીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવે છે. સાથે સાથે યથાશક્તિ સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમનું દાન પણ કરે છે. દેશ-વિદેશમાં વિખ્યાત એવા આ મંદિરમાં ભક્તોની આસ્થા અને શ્રદ્ધા સતત વધી રહી છે. યુએસએ ગ્રુપ દ્વારા કરવામાં આવેલું આ દાન મંદિરની સમૃદ્ધિમાં વધારો કરનારું બની રહ્યું છે.