અષાઢી બીજની રથયાત્રા પૂર્વે જગન્નાથ મંદિર ખાતે ષોડશોપચાર મહાઅભિષેકની પૂજા વિધિ કરાઈ

અષાઢી બીજની રથયાત્રા પૂર્વે જગન્નાથ મંદિર ખાતે ષોડશોપચાર મહાઅભિષેકની પૂજા વિધિ કરાઈ

રથયાત્રાના કાર્યને સફળ બનાવવા બે માસથી મહેનત કરતાં સેવકોને સન્માનિત કરાયા

ધર્મની નગરી પાટણ શહેરના રોકડીયા ગેટ વિસ્તારમાં આવેલા ભગવાન શ્રી જગન્નાથજીના મંદિર પરિસર ખાતેથી શુક્રવારે નીકળનારી અષાઢી બીજની 143 મી રથયાત્રા પૂર્વે ગુરૂવારે સવારે જગન્નાથ મંદિર પરિસર ખાતે ભગવાનની મહાઅભિષેક વિધિ મૂશળધાર મેધ વર્ષા વચ્ચે કરવામાં આવી હતી. મંદિર પરિસર ખાતે પાટણ સહિત ઉત્તર ગુજરાત ના 35 બ્રાહ્મણો દ્વારા ભગવાન જગન્નાથની ષોડશોપચાર મહાઅભિષેકની પૂજા વિધિના મુખ્ય યજમાન તરીકે પાટણ ના જાણીતા બિલ્ડર બેબાભાઈ શેઠ અને તેમના પત્ની નીતાબેન સહિતના પરિવાર સાથે અન્ય પાંચ યજમાન પરિવારોમાં અ. સૌ.હેતલબેન યશપાલભાઈ સ્વામી પરિવારે પણ લાભ લીધો હતો. આ પવિત્ર પ્રસંગે પાટણ સહિત ઉતર ગુજરાત ના 35 વિદ્વાન બ્રાહ્મણોએ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે યજમાન પરિવાર પાસે પંચામૃતથી ભગવાનનો અભિષેક કરાવ્યો હતો. ભગવાન ના અભિષેક પ્રારંભે મેઘરાજાએ પણ મુશળધાર વર્ષા વરસાવી યજમાન પરિવારો પર જળાભિષેક કરતાં તમામ યજમાન પરિવારે ભગવાનની આ લીલા જોઈ ધન્યતા અનુભવી હતી.

મંદિર પરિસર ખાતે આયોજિત આ મહા અભિષેક પ્રસંગે વર્ષોની પરંપરા મુજબ ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી ને નવીન વસ્ત્રો પહેરાવી મંદિર પરિસર અને ભગવાનના સ્થાનકને સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું. બપોરે 12:39 કલાકના શુભ મુહૂર્તમાં યજમાન પરિવાર દ્વારા ‘જય રણછોડ, માખણચોર’ના નાદ સાથે મંદિર શિખર પર ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું હતું.

ભગવાન જગન્નાથજીના મંદિર પરિસર ખાતે આયોજિત આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી અભિષેકની પૂજાવિધિના દર્શન – પ્રસાદનો લાભ લીધો હતો.આ તબકકે ભગવાન જગન્નાથ ની 143 મી રથયાત્રા ના આયોજન ને સાંગોપાંગ સફળ બનાવવા છેલ્લા બે માસથી મહેનત કરતાં જગન્નાથ ભકતો નું જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રમાણપત્ર અને પેન્ટ શર્ટ નું કાપડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને રથયાત્રા સમિતિના કન્વીનર પિયુષભાઈ આચાર્ય સહિતના ટ્રસ્ટીગણ સાથે પાટણ નાગરિક બેંકના ચેરમેન મહેન્દ્રભાઈ પટેલ, મહેસાણાના હરેશભાઈ જોષી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *