બી.એમ.સ્કૂલથી આનંદ સરોવર માર્ગ અને પારેવા સર્કલથી ખાલકશા પીર માર્ગ પર પાણી ભરાયા; પાટણ શહેર સહિત જિલ્લામાં ચાર દિવસના વિરામ બાદ શનિવારે વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાયો હતો. સવારે 6 થી 10 વાગ્યા દરમિયાન રાધનપુરમાં દોઢ ઇંચ, પાટણમાં એક ઇંચ, સિદ્ધપુરમાં 14 મિમી અને સરસ્વતીમાં 18 મિમી વરસાદ નોંધાયો હતો.
પાટણ શહેરમાં સામાન્ય વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. શહેરનું પ્રવેશદ્વાર રેલવે ગરનાળું પાણીથી ભરાઈ જતા વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓને પાણી માંથી પસાર થવું પડ્યું હતું.
તો પાલિકાએ પ્રિ-મોન્સૂન કામગીરીમાં વરસાદી પાણીના નિકાલની લાઇન અને ચેમ્બરોની સુવ્યવસ્થિત સફાઈ કરી ન હોવાના કારણે ચેમ્બરોમાં માટી અને કચરો ભરાવાની સમસ્યા થી શહેરની બી.એમ.સ્કૂલથી આનંદ સરોવર માર્ગ અને પારેવા સર્કલથી ખાલકશા પીર માર્ગ પર પણ વરસાદના પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી. જિલ્લાના રાધનપુરમાં પણ રાત્રિ દરમિયાન મેધરાજા વરસતાં રાધનપુર-મસાલી રોડ, હાઈવે ચાર રસ્તા અને મેઈન બજારમાં પાણી ભરાતા સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ચાર દિવસ ના વિરામ બાદ પાટણ શહેર સહિત પંથકમાં પડેલા વરસાદ ને લઈ ખેડૂતોમાં આનંદ છવાયો હતો.

