અફઘાનિસ્તાનમાં 24 કલાકમાં બીજી વખત ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રાષ્ટ્રીય ભૂકંપશાસ્ત્રીય કેન્દ્રના જણાવ્યા અનુસાર, આ ભૂકંપ શુક્રવારે સવારે 03:16 વાગ્યે આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 માપવામાં આવી હતી. જોકે, અત્યાર સુધી કોઈ પણ પ્રકારના નુકસાનના સમાચાર નથી. પરંતુ 24 કલાકમાં બે વાર ધરતી ધ્રુજવાથી લોકો ભયભીત થઈ ગયા છે.
ગુરુવારે અગાઉ 6.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ જલાલાબાદથી 14 કિમી પૂર્વમાં અને 10 કિમીની ઊંડાઈએ હતું. તાજેતરના સમયમાં અફઘાનિસ્તાનમાં આ બીજો મોટો ભૂકંપ હતો.
ગયા અઠવાડિયે, અફઘાનિસ્તાનમાં બીજો એક શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેનાથી દેશના ઘણા ભાગો હચમચી ગયા. આ ભૂકંપ ગયા રવિવારે રાત્રે આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.0 નોંધાઈ હતી. આ ભૂકંપથી ઘણા પ્રાંતોમાં વિનાશ થયો હતો. તાલિબાન સરકારના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 2200 થી વધુ લોકોના મોતની પુષ્ટિ થઈ છે.
૩૧ ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાનમાં આવેલા આ ભયાનક ભૂકંપમાં સેંકડો ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા હતા. કાટમાળમાંથી સેંકડો મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર કુનાર હતો, જ્યાં નદીની ખીણોમાં સ્થિત ગામોમાં માટી, કાચી ઇંટો અને લાકડાથી બનેલા ઘરો તૂટી પડ્યા હતા. દુર્ગમ ભૂપ્રદેશ અને સંસાધનોના અભાવે રાહત અને બચાવ કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે.

