કુલ ૭૪,૬૪૦ રૂપિયાનો ૧૪૨ કિલો જથ્થો સીઝ કરીને જવાબદારો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ
બનાસકાંઠા જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુર દ્વારા જલારામ એન્ટરપ્રાઇઝ પેઢી, ચડોતર ખાતે સંયુક્ત રેડ કરવામાં આવી હતી. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસરો દ્વારા કરાયેલ સંયુકત રેડમાં તપાસ દરમિયાન ઉત્પાદક પેઢીના માલિક દ્વારા બીજી પેઢીના નામ વાળા લેબલો વપરાશ કરતા હોવાનું માલૂમ પડ્યું હતું. જેમાં અમુલ પ્યોર ઘી ૧૫ કિલો પેકિંગના ૬ ડબ્બા મળીને કુલ ૮૯ કિલો ઘીનો જથ્થો સીઝ કરાયો હતો. કુલ ૫૮,૭૪૦ની કિંમતનો આ જથ્થો સીઝ કરાયો હતો.
આ સાથે અધિકારીઓ દ્વારા ઇન્ટરએસ્ટ્રીફાઈડ વેજીટેબલ ફેટ (લુઝ)નો રૂ. ૧૫,૯૦૦ની કિંમતનો કુલ ૫૩ કિલો જથ્થો પણ સીઝ કરાયો હતો. આમ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ બનાસકાંઠા દ્વારા કુલ ૭૪,૬૪૦ રૂપિયાનો ૧૪૨ કિલો જથ્થો સીઝ કરીને જવાબદારો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમ ફૂડ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.