સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરમાં બુધવારે વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. બજારચોકથી ગલેચી ભાગોળ વિસ્તાર તરફ જતા રસ્તે એક બેકાબુ ડમ્પરે બે વીજપોલને ટક્કર મારતા તેઓ ધરાશાયી થયા હતા.આ અકસ્માતમાં એક વીજપોલ દુકાનોની સામે પડતાં બે દુકાનના શટરને નુકસાન પહોંચ્યું હતું, જ્યારે બીજો વીજપોલ રસ્તાની વચ્ચે પડતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો.
ઘટનાની જાણ થતાં જ પ્રાંતિજ વીજ વિભાગના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સુરક્ષાના ભાગરૂપે વીજપ્રવાહ બંધ કરી દીધો હતો. સદનસીબે આ અકસ્માત વહેલી સવારના સમયે બન્યો હોવાથી વિસ્તારમાં લોકોની અવરજવર ઓછી હતી, જેના કારણે કોઈ જાનહાની થવા પામી ન હતી. વીજ વિભાગના કર્મચારીઓએ તાત્કાલિક કામગીરી શરૂ કરી સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. આ ઘટના બાદ સ્થાનિક તંત્ર દ્વારા બેદરકાર ડમ્પર ચાલક સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.