બનાસકાંઠાના દાંતીવાડાના સીપુ ડેમ નજીક અકસ્માત થયો છે. અકસ્માતની ઘટનામાં બે લોકોના મોત નીપજ્યા છે. ટ્રેક્ટરની પાછળ ટ્રેલર ઘૂસી જતાં આ અકસ્માત સર્જાયો હતો. ટ્રેક્ટરમાં બટાટા ભરીને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા જતાં આ ઘટના બની છે. આ અકસ્માતમાં બે પિતરાઈ ભાઈઓના મોત થયા હતા. પિતરાઈ ભાઈઓના મોતથી ફક્ત કુટુંબ જ નહીં આખા ગામમાં માતમ છે. તેના પગલે મૃતકોના માબાપ અને ભાઈબહેનના આંસુ સુકાતા નથી. તેમા પણ માતા તો આઘાતની મારી બેહોશ જ થઈ ગઈ હતી, જ્યારે પિતા આઘાતથી સ્તબ્ધ છે. હસતા રમતા ગયેલા બે ખેડુત પુત્રોના મૃતદેહ જોઈને પિતાનું કાળજુ ચીરાઈ ગયું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા છે. પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ પણ મૃતકોના કુટુંબીજનોને સાંત્વના આપી હતી. તેમના આક્રોશને પણ ઠંડો પાડ્યો હતો.
આ સિવાય પોલીસે આ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તેની તપાસ પણ આદરી છે.પોલીસનું માનવું છે કે અંધારના લીધે ટ્રેલર ટ્રેક્ટરને જોઈ ન શક્યું હોવાના કારણે અકસ્માત સર્જાયો છે. આ સિવાય ટ્રેલરચાલક નશામાં હતો કે નહીં તેની તપાસ પણ પોલીસે આદરી છે. પોલીસનું કહેવું છે કે મૃતકો સહિત ટ્રેલરના ચાલક બધાનું પરીક્ષણ કરવામાં આવનાર છે, જેથી તે નશામાં હતાં કે નહીં તેની ખબર પડે. પોલીસને આશ્ચર્ય એ વાતનું છે કે સામાન્ય રીતે ટ્રેલરની અને ટ્રેક્ટરની બંનેની સ્પીડ ધીમી હોય છે તો પછી આ અકસ્માત કેવી રીતે થયો. અંધારુ હોવાની વાત બરોબર છે પરંતુ આટલા ધીમા ચાલતા વાહન અથડાય તે સમજવું પોલીસ માટે પણ અઘરું છે. તેથી પોલીસ આ અકસ્માતને સમજવા માંગે છે. આ માટે તેણે નજીકના સ્થળોના સીસીટીવી ફૂટેજ પણ મંગાવ્યા છે. તેના દ્વારા તેને કમસે કમ ખ્યાલ આવે કે કહ્યુ વાહન બેફામ રીતે ચાલી રહ્યું હતું. આ ઉપરાંત આગામી દિવસોમાં આ વિસ્તારમાં અકસ્માતની દુર્ઘટના ન બને તે માટે પોલીસે વાહનચાલકોને ગતિમર્યાદાની અંદર રહીને વાહન ચલાવવી અપીલ કરી છે.