કારને ભારે નુકસાન, સદનસીબે જાનહાની ટળી
ડીસા નજીક આવેલા જલારામ મંદિર વિસ્તારમાં આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક સ્વીફ્ટ કાર અને એક ટ્રક સામસામે ધડાકાભેર અથડાઈ પડ્યા હતા. આ અકસ્માત એટલો જોરદાર હતો કે કારના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું. પ્રાથમિક વિગતો અનુસાર, ટ્રક અને સ્વીફ્ટ કાર જલારામ મંદિર નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક બંને વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પણ અકસ્માત બાદ કારમાં સવાર લોકોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. સદનસીબે, કાર ચાલક કે અન્ય કોઈ મુસાફરને ગંભીર ઈજા થઈ ન હતી અને જાનહાની ટળી હતી. જોકે, કારના આગળના ભાગને મોટું નુકસાન થયું છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતને કારણે માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિક જામ થયો હતો, જેને પોલીસે પૂર્વવત કરાવ્યો હતો.સ્થાનિકોએ જણાવ્યું કે આ વિસ્તારમાં અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે, જેના પર તંત્રએ ધ્યાન આપવાની જરૂર છે.

