સહકારી મંડળીઓની કચેરીમાં કરાર આધારિત ફરજ બજાવતા નિવૃત સહકારી અધિકારી રૂ. 2000 ની લાંચ લેતા ઝડપાયા બનાસકાંઠા જિલ્લાના મુખ્યાલય પાલનપુર ખાતે જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરીમાં કરાર આધારિત ફરજ બજાવતા નિવૃત સહકારી અધિકારી રૂ.2000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. પાલનપુર એસીબીએ તેઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદીના સંબંધીએ ખારા ખોડા સેવા સહકારી મંડળીમાં થયેલ ઉચાપત તથા ગેરરીતી બાબતેની તપાસ થવા સારું જિલ્લા રજીસ્ટર સહકારી મંડળીઓ બનાસકાંઠાનાઓને અરજી કરી હતી. જે અરજીની તપાસ થવા સારું જિલ્લા રજીસ્ટાર પાલનપુર નાઓએ આ કામના આક્ષેપિત (નિવૃત સહકારી અધિકારી વર્ગ-3) કરાર આધારીત તપાસ અધિકારી ડાયાભાઇ નાથાભાઇ ડોડીયાની નિમણૂક કરી હતી. આ કામના ફરિયાદીએ પોતાની અરજી બાબતે આ કામના આક્ષેપીતનો સંપર્ક કરતા આક્ષેપીતે સદર અરજી તપાસમાં ખામી નહી કાઢવાની અવેજ પેટે આરોપીએ રૂપિયા 2000ની લાંચની માંગણી કરી હતી.
દરમિયાન, ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોઈ તેઓએ એસીબી નો સંપર્ક કરતા પાલનપુર એસીબીએ છટકું ગોઠવ્યું હતું. જેમાં તેઓ જોરાવર પેલેસ પાલનપુર ખાતે સબ રજિસ્ટ્રાર કચેરી બહાર લાંચ લેતા ઝડપાઇ ગયા હતા. ત્યારે એસીબીએ તેઓને ડિટેઇન કરી વધુ તપાસ હાથ ધરી છે.
લાંચ માંગે તો કરો એસીબીનો સંપર્ક કરો: ગુજરાતમા એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે. તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબી નો સંપર્ક કરી શકો છે. 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે. જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો. ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.