‘ક્લીન ડીસા, ગ્રીન ડીસા’ના નારા સાથે હજારો નગરજનો દોડમાં જોડાયા; પર્યાવરણ અને ફિટનેસનો સંદેશ પાઠવ્યો
બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા ખાતે આજે વહેલી સવારે પર્યાવરણ જાળવણી અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના ઉમદા હેતુથી આશીર્વાદ સમર્થ ગ્રીન મેરેથોન’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી પ્રવીણભાઈ માળીએ ખાસ હાજરી આપી હતી અને પોતે પણ 5 કિલોમીટરની દોડ પૂર્ણ કરી નગરજનો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા હતા ’ક્લીન ડીસા, ગ્રીન ડીસા’ સ્લોગન સાથે આયોજિત આ મેરેથોનનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરને સ્વચ્છ રાખવા અને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે જનજાગૃતિ લાવવાનો હતો. વહેલી સવારથી જ ડીસાના માર્ગો પર ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું. બાળકો, યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં સ્પોર્ટ્સ ડ્રેસમાં સજ્જ થઈ આ દોડમાં સહભાગી થયા હતા.
આ કાર્યક્રમના મુખ્ય આકર્ષણ ગુજરાત રાજ્યના મંત્રી પ્રવીણભાઈ માળી રહ્યા હતા. તેમણે માત્ર કાર્યક્રમની શરૂઆત જ ન કરાવી, પરંતુ પોતે પણ દોડવીરોની સાથે જોડાયા હતા. મંત્રીએ ઉત્સાહપૂર્વક 5 કિલોમીટરની રેસ પૂરી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “સ્વસ્થ શરીર જ સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકે છે અને ડીસાને હરિયાળું તેમજ સ્વચ્છ રાખવાની જવાબદારી આપણા સૌની છે.”આશીર્વાદ સમર્થ ગ્રુપ દ્વારા આયોજિત આ દોડમાં ડીસાના વિવિધ સામાજિક સંગઠનો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને અગ્રણી નાગરિકો જોડાયા હતા. સમગ્ર રૂટ પર ઠેર-ઠેર દોડવીરોનું પ્રોત્સાહન વધારવામાં આવ્યું હતું. આયોજકો દ્વારા વિજેતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને પર્યાવરણના જતનના શપથ લેવડાવવામાં આવ્યા હતા.


