બનાવના પગલે અધિકારીઓ અને પોલીસ તંત્ર ધટના સ્થળે દોડી આવ્યું; પાટણ પંથકના હાઈવે માગૅ પરથી પુરઝડપે અને ગફલતભરી વાહનો હંકારતા વાહન ચાલકો દ્વારા અવાર નવાર નાના મોટા માગૅ અકસ્માત ના બનાવો બનતા અનેક નિર્દોષ માનવ જિંદગીઓ મોતના મુખમાં ધકેલાતી હોવાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે રાંધણ છઠના દિવસે પાટણ-નેદ્રા રોડ ઈકો કાર અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાતાં એકનું ધટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.
અકસ્માતના બનાવાની મળતી હકીકત મુજબ રાંધણ છઠ્ઠના દિવસે પાટણ તરફ જઈ રહેલી લક્ઝરી બસ અને ડેર ગામથી આવી રહેલી ઈકો કાર વચ્ચે નેદ્રા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઈકો કારના ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. મૃતક ડેર ગામના ગિરિરાજસિંહ રામસિંહ દરબાર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની તીવ્રતા એટલી હતી કે ઈકો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ અને પોલીસ તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને માગૅ પર એકત્ર થયેલા લોકોને દુર કરી મૃતદેહને પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળ ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

