ડીસા તાલુકાના નાની આખોલ ગામ બાઈકની ચેન ચઢાવવા બાબતે હુમલો કરતા યુવકનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ડીસા તાલુકા પોલીસે ગુનો નોંધી હત્યા કરનારની અટકાયત કરી છે. આ બનાવ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના નાની આખોલ ગામે રહેતા અને શાકભાજી તેમજ ભંગારનો વ્યવસાય કરતા સંજય રામસંગભાઇ પટણી ગત મોડી રાત્રે પોતાના ઘરે હતો ત્યારે તેઓના ઘર આગળથી ગામનો નાથાજી ધનાજી દરબાર બાઇક લઈને નીકળ્યો હતો.
જેમાં તેના બાઇકની ચેન સંજયના ઘર આગળ ઉતરી જતા તેને બૂમ પાડી સંજય ને બોલાવ્યો હતો. જેથી સંજય ચેન ચઢાવવા જતા ચેન ચડતી ન હતી. જેથી નાથાજીએ ઉશ્કેરાઈ સંજયને ગાળો બોલી માર મારવા લાગ્યો હતો તેમજ તેને નીચે પાડી દઈ છાતી પર ગડદા પાટુનો માર માર્યો હતો. આ દરમિયાન સંજયની પત્ની તથા તેમનો ભાણેજ વગેરે આવી જતા તેને છોડવાની કોશિશ કરી હતી. પરંતુ નાથાજીએ સંજયને છાતીના ભાગે કોણીથી માર મારતા તે બેભાન જેવો થઈ ગયો હતો. આ દરમિયાન નાથાજી નાસી છૂટ્યો હતો.
જેથી સંજયની પત્નીએ બૂમાબૂમ કરતા આજુબાજુથી લોકો દોડી આવતા તેને તાત્કાલિક આ આખોલ ખાતે નીમ્સ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે ડીસા ભણસાલી હોસ્પિટલ ત્યારબાદ પ્રાઇવેટ હોસ્પિટલ અને મોડેથી ડીસા સિવિલમાં લાવતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે ડીસા તાલુકા પોલીસે સંજયની પત્ની કોકીલાબેન પટ્ટણીની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી આરોપી નાથાજી ધનાજી દરબાર ની અટકાયત કરી હતી.