પાટણ શહેર ને નર્મદા આધારિત પીવાનું પાણી નો સૌથી મોટા સ્ત્રોત અને સંગ્રાહક જળાશય સિધ્ધિ સરોવરમાં ગત રોજ વહેલી પરોઢે ચારથી સાડાચારેક વાગ્યાના સુમારે અંધારામાં એક યુવાને મોતની છલાંગ લગાવી હોવાની આશંકાને લઇને ગત સવારથી પાટણ નગરપાલિકાની ફાયર બ્રીગેડની ટીમનાં ફાયર ઓફીસર તથા તેમની પાંચ તરવૈયાની ટીમે છ-છ કલાકનાં રેસ્કયુ ઓપરેશન હાથ ધરીને છલાંગ લગાવનારા યુવાનને શોધવાની કવાયત હાથ ધરી હતી. જોકે સાંજે છ વાગે અંધારું થઇ જતાં સમગ્ર શોધખોળ ઓપરેશન સ્થગિત કરાયું હતું.
શુક્રવારે સવારે લાશ જોવા મળતા ફાયર વિભાગની ટીમ દ્વારા લાશને બહાર કાઢી તેની જાણ પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, નગર સેવક દેવચંદભાઈ પટેલ, જયેશભાઈ પટેલ, ચીફ ઓફીસર અલ્કેશ પટેલને કરતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તથા આ બનાવ અંગે સ્થળ ઉપર મળેલા બે મોબાઈલનાં આધારે છલાંગ લગાવનારા શંકાસ્પદ યુવાન ઠાકોર વિક્રમજી વદનજી ઉ.વ.આ.21 રહે હાસાપુર વાળો હોવાનું માલુમ થતાં મૃતકના પરિવારને જાણ કરતાં તેઓ પણ અત્રે દોડી આવ્યા હતા.તો બનાવની પોલીસે આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.