છેલ્લા બે વર્ષથી ફાટક બંધ હોવાથી લક્ષ્મીપુરાના ગ્રામજનોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે; પાલનપુર લક્ષ્મીપુરા ફાટક છેલ્લા બે વર્ષથી બંધ કરવામાં આવતા લક્ષ્મીપુરાના ગ્રામજનોને સિટીમાં જવા માટે પાંચથી સાત કિલોમીટરનું અંતર કાપીને જવું પડી રહ્યું છે. આ બાબતે અગાઉ આંદોલન કરવાની ચીમકી આપી હતી. તે સમયે બ્રિજ બનાવવાની ખાતરી આપી હતી પરંતુ હજુ સુધી કોઈ કામગીરી ન કરાતા સોમવારે લક્ષ્મીપુરાના આગેવાનોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મળી રજૂઆત કરી હતી.
પાલનપુર લક્ષ્મીપુરા ગામમાં થી ગઠામણ ગેટ,અંબિકા નગર, ડેરી રોડ જવા માટેનો જે માર્ગ હતો તે માર્ગ પરની ફાટક છેલ્લા બે વર્ષથી બંધ કરવામાં આવતા લક્ષ્મીપુરા ગ્રામજનોને સિટીમાં જવા માટે પાંચ થી સાત કિલોમીટરનું અંતર કાપી જવું પડી રહ્યું છે. જેથી આ બાબતે અગાઉ લક્ષ્મીપુરાના ગ્રામજનોએ રેલી કાઢી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જેથી તંત્ર દ્વારા તેમની સાથે ચર્ચા કર્યા બાદ તેમને ત્યાંથી રસ્તો કરી બ્રિજ કરી આપવાની ખાતરી આપી હતી. પરંતુ આજ સુધી તેનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી જેને કારણે ગ્રામજનોનું પ્રતિનિધિ મંડળ સોમવારે પાલનપુર કલેકટર કચેરી ખાતે રજૂઆત કરવા આવ્યા હતા અને ઝડપથી બ્રિજની કામગીરી શરૂ કરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરી હતી. જો આગામી દિવસોમાં આ કામગીરી નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.