દરેક વિભાગોને કામગીરીનો 100 દિવસનો એક્શન પ્લાન રજૂ કરવા સૂચના
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે યુનિટી માર્ચ સંદર્ભે જિલ્લા પ્રભારી અને મંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને મહેસાણા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પ્રભારી અને મંત્રીએ મહેસાણા જિલ્લામાં યુનિટી માર્ચનું સફળ આયોજન થાય તે માટે જરૂરી સૂચનાઓ સાથે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા પ્રભારી અને મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે, યુનિટી માર્ચ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીના અવસર પર આયોજિત એક રાષ્ટ્રવ્યાપી જન અભિયાન છે. આ પદયાત્રા સરદાર પટેલના એકીકૃત ભારતના દ્રષ્ટિકોણને પ્રધાનમંત્રીના વિકસિત અને આત્મનિર્ભર ભારતના મિશનથી જોડીને જન ભાગીદારીથી સાચા અર્થમાં એક રાષ્ટ્રીય અભિયાન બનશે. વધુમાં જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લામાં યોજાનાર યુનિટી માર્ચના રૂટ પર સરદાર સ્મૃતિ વન બનાવવા માટેના સ્થળની યોગ્ય પસંદગી કરી આ સ્મૃતિ વનમાં વાવવામાં આવેલ 562 વૃક્ષોનો ઉછેર યોગ્ય રીતે થાય તે જોવા પણ વન વિભાગના અધિકારીઓને તાકીદ કરી હતી.
જિલ્લા પ્રભારી મંત્રી તરીકેની પ્રથમ મુલાકાત હોવાથી બેઠક દરમિયાન મંત્રીએ ધારાસભ્યોની વિવિધ રજૂઆતો સાંભળી હતી અને આ તમામ રજૂઆતો, પ્રશ્નોનો હકારાત્મક નિકાલ થાય તે દિશામાં પદાધિકારીઓ અધિકારીઓ સાથે મળી વિકસિત ભારતના નિર્માણમાં વિકસિત ગુજરાત તરીકે મહેસાણા જિલ્લો અગ્રેસર રહે તે દિશામાં કાર્ય કરવા આહવાન કર્યું હતું. આ ઉપરાંત તેમણે જિલ્લાના દરેક વિભાગોને પોતાની કામગીરીનો 100 દિવસનો એક્શન પ્લાન રજૂ કરવા સૂચના આપી હતી અને જિલ્લાના વિકાસના કામો સંસ્કૃતિ અને વિરાસતને જાળવીને કરવામાં આવે તેમ પણ જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, પાટણ લોકસભા સાંસદ ભરતસિંહ ડાભી, ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, કિરીટભાઈ પટેલ, સુખાજી ઠાકોર, સરદારભાઈ ચૌધરી, સી.જે. ચાવડા, રાજેન્દ્ર ચાવડા સહિતનાઓએ જિલ્લામાં યુનિટી માર્ચનું સફળ આયોજન થાય તે માટે રચનાત્મક સલાહ સૂચનો આપ્યા હતા. આ બેઠકમાં જિલ્લા કલેકટર એસ. કે. પ્રજાપતિએ જિલ્લામાં યોજાનાર યુનિટી માર્ચ સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા કરેલ આયોજન અંગે વિગતવાર જાણકારી આપી હતી. આ ઉપરાંત નિવાસી અધિક કલેક્ટર જશવંત કે. જેગોડાએ યુનીટી માર્ચની રૂપરેખા અંગે માહિતગાર કર્યા હતા. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર ખતાલે, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, ગીરીશભાઈ રાજગોર, પ્રાંત અધિકારીઓ તેમજ યુનિટી માર્ચ સાથે સંકળાયેલ સભ્યો સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

