વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે સાહિત્યકારો દ્વારા માતૃભાષાના મહત્ત્વ પર પ્રેરણાદાયી વક્તવ્ય
ડીસા શહેર સ્થિત વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સંસ્કાર મંડળ ડીસા સંચાલિત શ્રીમતી એમ.યુ. પેથાણી આદર્શ પ્રાથમિક શાળામાં માતૃભાષા મહોત્સવ અંતર્ગત તા.૨૧/૦૨/૨૦૨૬ શનિવારે બપોરે ૧૨:૦૦ કલાકે વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો હતો. વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી અને અખિલ ભારતીય સાહિત્ય પરિષદ ના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી. પધારેલ મહેમાનોનું સ્વાગત શબ્દરૂપી પુષ્પથી શાળાના પ્રધાનાચાર્ય પ્રવીણભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું. વક્તાઓ અને મહેમાનોને પુસ્તક અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના અધ્યક્ષ ડૉ. ભાગ્યેશ જહા દ્વારા માતૃભાષા મહોત્સવને અનુલક્ષીને વિડીયો ક્લિપ રજૂ કરવામાં આવી, જેને સૌએ આત્મિયતાપૂર્વક નિહાળી હતી અને શાળાના સંગીત શિક્ષકો દ્વારા “ભાષા છે ગુજરાતની ધરતી.” ગીતની સુંદર રજૂઆત કરવામાં આવી, જેને ઉપસ્થિત શ્રોતાઓએ તાળીથી વધાવી લીધી. ત્યારબાદ મુખ્ય વક્તાઓએ માતૃભાષાના મહત્ત્વ પર વિચારો વ્યક્ત કર્યા હતો. નિવૃત્ત પ્રાથમિક શિક્ષક અને “મારા ગામના ગોંદરેથી..” કાવ્યસંગ્રહના સર્જક મણીભાઈ સુથારે પોતાના વક્તવ્યમાં માતૃભાષા આપણા જીવનનો અવિભાજ્ય અંગ છે તે અંગે ઉદાહરણો સાથે સુંદર સમજણ આપી.
જ્યારે વિચારવલોણુંના લેખક અને અખિલ ભારતીય સાહિત્ય પરિષદ બનાસકાંઠાના અધ્યક્ષ ડૉ. ભારમલભાઈ પટેલે જીવનમાં ધીમે ધીમે ભૂલાતા જતા માતૃભાષાના શબ્દોને ફરી જીવંત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે માતૃભાષા અને સંસ્કૃતિ વચ્ચેના અતૂટ નાતાને સ્પષ્ટ રીતે રજૂ કરી શ્રોતાઓને વિચારવા પ્રેર્યા હતો.



