મોટાભાગની નાસ્તાની દુકાનો અને ચાના સ્ટોલ ઉપર ઘરેલુ અને ઉજવલા યોજનાના બાટલાનો ઉપયોગ
ડીસા શહેરમાં ફરી એકવાર ગેસ સિલિન્ડર બ્લાસ્ટનો બનાવ સામે આવ્યો છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. શહેરના બગીચા સર્કલ પાસે આવેલી પ્રજાપતિ સ્વીટ એન્ડ ફરસાણ નામની દુકાનમાં આજે વહેલી સવારે ગેસ લીકેજ થતાં આગ લાગી હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી.આજે મંગળવારે સવારે અચાનક દુકાનમાં આગ લાગતા આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિકોએ તરત જ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો અને ફાયર વિભાગને જાણ કરી. ફાયર ફાઈટર ટીમ પહોંચે તે પહેલાં જ એક બહાદુર વ્યક્તિએ પોતાની પરવા કર્યા વગર પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જો આ આગ સમયસર કાબૂમાં ન આવી હોત, તો તે બાજુની ઓટો ગેરેજ અને સ્પેરપાર્ટસની દુકાન સુધી ફેલાઈ શકી હોત, જેના કારણે મોટી દુર્ઘટના થવાની શક્યતા હતી.
આગ લાગવાનું કારણ જાણવા મળતા ચોંકાવનારી વિગતો સામે આવી છે.સરકારી નિયમો મુજબ, કોઈપણ વ્યાપારી સંસ્થા કે દુકાન પર ઘરેલુ ગેસ સિલિન્ડરનો ઉપયોગ થઈ શકતો નથી. તેના બદલે, કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરવો ફરજિયાત છે. તેમ છતાં, પ્રજાપતિ સ્વીટ એન્ડ ફરસાણની દુકાનમાં ઘરેલુ ગેસ સિલિન્ડરનો ઉપયોગ થતો હતો અને પાઇપ લીકેજ થવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી.તેથી શહેરમાં નાસ્તા અને ચાના સ્ટોલ ઉપર ઘરેલું ગેસ સિલિન્ડરનો બેફામ ઉપયોગ થતો હોવાનું પુરવાર થવા સાથે આવા સિલિન્ડરના કાળા બજાર પણ થઈ રહ્યા છે.
તંત્રની બેદરકારી પર સવાલ
આવી ઘટનાઓ વારંવાર બનતી હોવા છતાં સ્થાનિક વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા કોઈ પગલાં લેવાતા નથી. શું તંત્ર દ્વારા આવી દુકાનોનું નિરીક્ષણ કરવામાં આવતું નથી ? શું કોઈ મોટી દુર્ઘટના બનશે ત્યારે જ તંત્ર જાગશે ? ડીસા પાલિકાની બેદરકારી સામે આવા ગંભીર સવાલ ઉઠ્યા છે. ત્યારે તંત્ર ક્યારે જાગશે અને ક્યારે આવી ઘટનાઓ અટકાવવા માટે કડક કાર્યવાહી કરશે, તે હવે જોવું રહ્યું.

