રાધનપુર-પાટણના ફાયર ફાઈટરની મદદથી કલાકો બાદ આગ પર કાબુ મેળવાયો
આગના કારણે વેપારીને કરોડોનું નુકશાન થયું હોવાની આશંકા
રાધનપુરમાં આવેલ જલારામ કટલેરી સ્ટોરમા ગતરોજ કોઈ અગમ્ય કારણોસર ભીષણ આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી. બનાવને પગલે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. જોકે આગના કારણે કટલરીના દુકાનનો માલસામાન સહિત ચીજવસ્તુઓ બળીને રાખ થતાં વેપારીને કરોડોનું નુકસાન થયાની આશંકા સેવાઈ રહી છે.
આ ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ પાટણ જિલ્લાના રાધનપુરમાં જલારામ કટલેરી સ્ટોરમાં કોઈ અગમ્ય કારણોસર ભીષણ આગ લાગી હતી. આ ઘટના સાતલપુર બસસ્ટેન્ડથી ભાભર હાઈવે રોડ પર આવેલા હોલસેલ વેપારીના સ્ટોરમાં બની હતી. જેને લઈને અફડાતફડીનો માહોલ સજૉયો હતો.આગની જાણ થતાં જ રાધનપુર નગરપાલિકાનું ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. આગની તીવ્રતા જોતા વધુ ફાયર ફાઈટરની જરૂર પડતા પાટણ નગરપાલિકાનું ફાયર ફાઈટર પણ બોલાવવામાં આવ્યું હતું.


