ગામની શાળાની દિકરીઓના હસ્તે નારિયેળીના ૧૫૦ છોડનું વાવેતર કર્યુ; પાટણ તાલુકાના ડેર ગામના ખેડૂત મંગાજી ઠાકોર દ્વારા પાટણ પંથકમાં નારિયેળીની ખેતીની આગવી પહેલ કરવામાં આવી છે. પાટણ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વેગ મળે અને ખેડૂતો રાસાયણિક ખાતરોથી થતી ખેતી છોડીને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવે તેવા પ્રયત્ન થઈ રહ્યા છે. ત્યારે તેને અનુરૂપ પાટણ તાલુકાના ડેર ગામે રહેતા અને ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા ખેડૂત મંગાજી ઠાકોર દ્વારા નારિયેળીની ખેતીની આગવી પહેલ કરવામાં આવી છે.
ડેર ગામના આગેવાન અને જાગૃત ખેડૂત મંગાજી ઠાકોર દ્વારા ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધીને તેમના સિધ્ધરાજ ફાર્મ ખાતે નારિયેળીની ખેતીનો નવતર પ્રયોગ કરી ગામની શાળાની દિકરીઓના હસ્તે તેમના ૪ વિદ્યાના વિશાળ ખેતરમાં નારિયેળી ના ૧૫૦ છોડનું વાવેતર કરી નવી ખેતી તરફ કદમ માંડયા છે. મંગાજીએ જણાવ્યું કે, અત્યારે ખેતીમાં ઝેરી રાસાયણિક ખાતરોના ઉપયોગથી પેદા થતા પાકના કારણે લોકોમાં કેન્સર સહિત વિવિધ ગંભીર રોગ થતાં જોવા મળી રહ્યા છે. ત્યારે તેઓએ ઓર્ગેનિક ખેતી અપનાવીને પોતાના ૪ વીઘા જમીનમાં નારીયેળીના ૧૫૦ છોડનું ગામની દિકરીઓના હસ્તે વાવેતર કરાવી નારી શક્તિનું સન્માન કર્યું હોવાનું જણાવ્યું હતું.
તેમણે પાટણ પંથકમાં સૌ પ્રથમ વખત ઓર્ગેનિક પદ્ધતિથી નારિયેળી ની ખેતીનો પ્રયોગ શરૂ કર્યો છે. જેમાં ત્રણ વર્ષે તેની ઉપજ શરૂ થશે તેવું તેમણે જણાવ્યું હતું. આ નારિયેળી ના વાવેતર ના પ્રારંભ પ્રસંગે ખેતીક્ષેત્રના તજજ્ઞોએ ઉપસ્થિત રહી ગામના અગ્રણીઓ તેમજ ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ વળવા અને લોકોમાં વધતા જતા રોગોને અટકાવી લોકો સારું જીવન જીવી શકે તે માટે પ્રાકૃતિક ખેતી તરફ વળવું ખૂબ જરૂરી હોવાનું જણાવી રાસાયણિક ખાતરોના ઉપયોગથી વિવિધ પ્રકારના રોગ વધી રહ્યા હોવાનું સમજાવી ઓર્ગેનિક અને દેશી ગાય આધારિત ખેતીના મહત્વ અંગે જાગૃત કયૉ હતા.
જયારે ખેડૂત અગ્રણી મંગાજી ઠાકોરે પણ જેમ ભારતમાંથી અંગ્રેજોને હાકી કાઠવામાં આવ્યાં હતાં તે પ્રમાણે ખેડૂતો એ પણ હવે રાસાયણિક ખાતર નામના રાક્ષસને દુર કરી આવનારી પેઢીને તેજસ્વી બનાવવા અને સમગ્ર સમાજ સ્વસ્થ બને તે માટે પ્રાકૃતિક ખેતી અપનાવવાની હાકલ કરી હતી. આ પ્રસંગે ખેડૂત મંગાજી ઠાકોર ઉપરાંત જેતાજી, વાઘુભા, સોમાજી સહિત ખેડૂત અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.