છેતરપીંડી બાદ ગાંધીનગરના એજન્ટે ફોન ના ઉપાડ્યા; આજકાલ વિદેશ જવાની લાલચમાં કેટલાય પરિવારો બરબાદ થતા સામાન્યપણે જોવા મળતા હોય છે કે જેમની સાથે વિદેશ મોકલનાર એજન્ટો ઠગાઈ આચરીને મસ મોટી રકમ પડાવી લેતા હોય છે અને અંતે કબૂતરબાજીની જાળમા ફસાઈને લાખો રૂપિયામાં નુકશાનમાં ડૂબી જઈ છેતરાયા હોવાનું જાણી પોલીસ ફરિયાદ કરતા હોય છે. તેવો જ એક કિસ્સો મહેસાણામાં ફરી એકવાર બનવા પામ્યો છે. જેમાં કેનેડા જવા માટે વિઝા કૌભાંડ દ્વારા મહેસાણા શહેરના એક દંપતી સાથે રૂપિયા 28.50 લાખની છેતરપીંડી આચરવામાં આવી છે. ગાંધીનગર અને અમદાવાદના એજન્ટોએ વર્ક પરમીટ તેમજ પીઆર વિઝાની લાલચ આપી લાખો રૂપિયા આંચકી લીધા હોવાનો ફરિયાદ મહેસાણા એ ડીવીઝન પોલીસ મથકે નોંધાવા પામી છે.
મહેસાણા શહેરમાં રહેતા મિલ્ટન ચૌધરી અને તેમની પત્ની ઝલક ચૌધરીને વર્ષ 2022માં કેનેડાના PR વિઝા મેળવવા માટે ગાંધીનગરના અભય જીતેન્દ્રભાઈ રાવલ સાથે સંપર્ક થયો હતો. સંપર્ક થતા કબૂતરબાજ અભય રાવલે વિઝા ફી પેટે રૂ.57 લાખ જેતી માતબર રકમ નક્કી કરી હતી. ત્યાર બાદ ફરિયાદી મિલ્ટન ચૌધરીએ શરૂઆતમાં ટોકન પેટે રૂ.5 લાખ મહેસાણાના તોરણવાળી ચોક નજીકની એક દુકાનમાં આપ્યા હતા.
ત્યાર બાદ શરૂઆતમાં બધું બરાબર ચાલ્યું હતું અને LMIA વર્ક પરમિટ લેટર પણ આવી ગયો હતો જ્યાં ફરિયાદીએ વધુ રૂ11 લાખ રૂપિયા અભય રાવલને આપ્યા હતા. ત્યાર બાદ થોડા દિવસો પછી ગાંધીનગરના કબૂતરબાજ અભય રાવલે અચાનક જ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. સાથોસાથ PR વિઝાની ફાઇલ ઉડી ગઈ હોવાનું જણાવી અમદાવાદના તેના જ એક સાગરીત મિત્ર વીરલ ગિરીશ મનાનીનો સંપર્ક કરાવ્યો હતો. ત્યારે અમદાવાદના આ કબૂતરબાજ વીરલ મનાનીએ બન્નેય પતિ પત્નીના વર્ક પરમિટ વિઝા માટે રૂ.27 લાખ અને PR વિઝા માટે રૂ. 30 લાખ અલગથી માંગણી કરી હતી.
ગાંધીનગરના અભય રાવલ અને અમદાવાદના વિરલ મનાનીએ મિલ્ટન ચૌધરીની પત્ની ઝલક ચૌધરીને કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવી કેનેડા મોકલી દીધા હતા, પરંતુ વર્ક પરમીટ પર મોકલેલા ઝલકબેનને કેનેડામાં કોઈ નોકરી અપાવી ન હતી. જ્યારે બીજી બાજુ મિલ્ટન ચૌધરીને વર્ક પરમિટ વિઝા કે PR વિઝા પણ આપેલ નહી. અને તેમનો ઓરિજનલ પાસપોર્ટ અને ફાઇલનો આઇડી પાસવર્ડ પણ આપેલ નહીં. અને છેતરપીંડી આચરી અભય રાવલ અને વિરલ મનાનીએ કુલ 28.50 લાખ રૂપિયા પડાવી લઈ પોતાની સાથે છેતરપીંડી કરેલ હોવાનું જાણી આ બાબતે મિલ્ટન ચૌધરીએ મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. જે અનુસંધાને મહેસાણા એ ડીવીઝન પોલીસ અધિકારી દ્વારા સાધન તપાસ હાથ ધરી કબૂતરબાજોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

