રેલવે ટ્રેક પર ત્રણ છોકરાઓને એંગલ મૂકી નાસતા જોઈ જતાં ડ્રાયવરે બ્રેક મારતાં મોટી દુર્ઘટના ટળી
રેલવે પોલીસે ત્રણ અજાણ્યા છોકરાઓ વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી આધારે અટકાયત કરવા તજવીજ હાથ ધરી
હિંમતનગર ઉદયપુર રેલવે ટ્રેક પર ગત શનિવારે બપોરે બારેક વાગ્યાના સુમારે અસારવા ચિત્તોડગઢ મેમુ ટ્રેન હિંમતનગર રેલવે સ્ટેશનથી નીકળ્યા બાદ આંબાવાડી વિસ્તારમાં પહોંચતા રેલવે ટ્રેક પર ત્રણ છોકરાઓને એંગલ મૂકી નાસતા જોઈ જતાં રેલવે એન્જિનના ડ્રાયવરે સમય સૂચકતા વાપરી અચાનક જ બ્રેક મારી રેલવે ઉભી રાખી સંભવિત દુર્ઘટનાને ટાળી હતી.
ઘટનાની જાણ કરાયા બાદ રેલવે પોલીસ દ્વારા ત્રણ અજાણ્યા છોકરાઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ હતી. ઉપલબ્ધ સીસીટીવી ફૂટેજ આધારે ત્રણેય જણાંની અટકાયત કરવા તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું રેલવે સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
સમગ્ર પ્રકરણની ટૂંકમાં વિગત એવી છે કે તા.4-10-25 ના રોજ બપોરે 12:12 કલાકે અસારવા ચિત્તોડગઢ મેમુ ટ્રેન હિંમતનગર રેલવે સ્ટેશનથી નીકળ્યા બાદ આંબાવાડી વિસ્તારમાં માચીસ ફેક્ટરી સામે 321/11-12 નંબરના પિલ્લર નજીક પહોંચતા રેલવે ટ્રેક પર લોખંડની એંગલ-રોડ મૂકી ભાગી રહેલ ત્રણ છોકરાઓને જોઈ જતાં રેલવેના ડ્રાયવરે ઈમરજન્સી બ્રેક મારી ટ્રેન ઉભી કરી દીધી હતી.

