સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં નગરપાલિકા દ્વારા દિવાળી પૂર્વે બે અલગ-અલગ સ્થળોએ ફટાકડાના કુલ 65 સ્ટોલ ઊભા કરવામાં આવશે. ડ્રો પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સ્ટોલ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં આ સ્ટોલ કાર્યરત થશે. નગરપાલિકા દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આ 65 સ્ટોલ પૈકી 21 સ્ટોલ હિંમતનગરના ટાવર ચોક સ્થિત પરશુરામ પાર્ક ખાતે અને 42 સ્ટોલ ફાયર સ્ટેશન સામે કેનાલ પાસે ઊભા કરાશે. તમામ સ્ટોલ 10 X 10 ફૂટના કદના હશે. હિંમતનગર પ્રાંત કચેરી દ્વારા આ 65 સ્ટોલ માટે ડ્રો યોજવામાં આવ્યો હતો.
દરેક સ્ટોલધારકે નગરપાલિકામાં રૂ. 14,000ની ફી ભરવાની રહેશે. નગરપાલિકા દ્વારા સ્ટોલ બનાવવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શહેરમાં અધિકૃત સ્ટોલ ઊભા થયા બાદ પણ અનેક સ્થળોએ અને રસ્તાઓ પર લારીઓમાં લાયસન્સ વિના ફટાકડાનું વેચાણ થતું જોવા મળે છે. આવા ગેરકાયદેસર વેચાણ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવી અનિવાર્ય છે, જેથી ગ્રાહકો અધિકૃત સ્ટોલ પરથી જ ખરીદી કરે.

