પ્રોજેક્ટ સપનું અંતર્ગત ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે કાઉન્સેલિંગ કાર્યક્રમ
ઔદ્યોગિક ભરતી મેળામાં 61 ઉમેદવારોને મળી નોકરીની ઓફર: જિલ્લા રોજગાર વિનિમય કચેરી,પાલનપુર અને આઇ.ટી.આઈ.લાખણીના સંયુક્ત ઉપક્રમે આઇ.ટી.આઈ.લાખણી ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાયો હતો. આ ભરતીમેળામાં મુંદ્રા સોલાર પ્રાઈવેટ લિમિટેડ, કચ્છ વતી નોકરીદાતા હાજર રહયા હતાં. કુલ 189 ઉમેદવારોએ આ ભરતીમેળામાં ભાગ લીધો હતો અને ઇન્ટરવ્યૂ પ્રક્રિયા દરમિયાન 61 ઉમેદવારોને નોકરીની ઓફર મળી હતી.
આ સાથે રોજગાર કચેરી દ્વારા ગાયત્રી વિદ્યાલય, થરાદ ખાતે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે “પ્રોજેક્ટ સપનું” અંતર્ગત કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કુલ 90 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જિલ્લા રોજગાર કચેરીના કેરિયર કાઉન્સેલરોએ વિદ્યાર્થીઓને RIASEC ટેસ્ટ લઈને તેમની રુચિ, કૌશલ્ય અને વ્યક્તિત્વ અનુસાર કારકિર્દી વિશે માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓને ધોરણ 10 પછીના વિવિધ અભ્યાસક્રમો વિશે માહિતગાર કરાયા હતા.
આ બંને કાર્યક્રમોનું આયોજન કરવા પાછળનો હેતુ વિદ્યાર્થીઓને તેમની કારકિર્દીની પસંદગીમાં મદદ કરવાનો અને યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવાનો છે. જિલ્લા રોજગાર કચેરી, પાલનપુર અને આઇ.ટી.આઈ., લાખણીના સ્ટાફે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જહેમત ઉઠાવી હતી.