પાલનપુર નગરપાલિકાનું રૂ.83 કરોડનું પૂરાંતવાળું બજેટ મંજુર
વિપક્ષે ડુપ્લીકેટ નોટો ઉછાળી : ડુપ્લિકેટ લોકોએ ડુપ્લિકેટ નોટો ઉછાળી : પ્રમુખ
ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકાની આજે ટર્મ પુરી થઇ રહી હોઈ આજે અંતિમ સાધારણ સભા યોજાઈ હતી. જેમાં પાલનપુર નગરપાલિકાનું સને-2026-2027નું રૂ.83 કરોડની પૂરાંતવાળું બજેટ મંજુર કરાયું હતું. આ પ્રસંગે પાલિકા પ્રમુખે વિકાસના કામોમાં સહયોગ આપનારા પ્રજાજનો અને ટીમ પાલિકાનો આભાર વ્યક્ત કર્યો હતો.
પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ચીમનલાલ સોલંકીના અધ્યક્ષ સ્થાને આજે પાલિકાની અંતિમ સાધારણ સભા યોજાઈ હતી. જેમાં પાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી દ્વારા સને-2026-2027 નું રૂ.83 કરોડની પૂરાંતવાળું બજેટ રજૂ કરાયું હતું. જોકે, વિપક્ષના વિરોધ અને હોબાળા વચ્ચે બજેટ મંજુર કરાયું હતું. વિપક્ષે શાસક પક્ષ પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરી ડુપ્લિકેટ નોટો ઉછાળી હતી. વિપક્ષની વર્તુણૂંક ને પાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકીએ આદતથી મજબૂર ગણાવી હતી. દરમિયાન, પાલિકા પ્રમુખે વિકાસના કામોમાં સહયોગ બદલ પ્રજાજનો અને પાલિકાની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
જોકે, વિપક્ષના હોબાળા વચ્ચે પાલિકાના બજેટ ઉપરાંત વિકાસના કામોને બહાલી અપાઈ હતી. આજની બેઠકમાં પાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી, ઉપ પ્રમુખ નાગજી દેસાઈ, કારોબારી ચેરમેન પિયુષ પટેલ, ચીફ ઓફિસર જીગર પટેલ સહિતના અધિકારીઓ અને નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા.
વિપક્ષનું વલણ વિકાસ વિરોધી:-પ્રમુખ
પાલનપુર નગરપાલિકાની બજેટ બેઠકમાં પણ એજન્ડા પરના કામો અંગે ચર્ચા કરવાને બદલે વિપક્ષ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો કરી માત્ર સસ્તી પબ્લિસિટી મેળવવાનો પ્રયાસ કરાયો હોવાનું પાલિકા પ્રમુખે જણાવ્યું હતું. વિપક્ષ દ્વારા સભા માં ડુપ્લિકેટ નોટો ઉછાળવાના મુદ્દે પણ પાલિકા પ્રમુખ ચીમન લાલ સોલંકીએ જણાવ્યુ હતુ કે, ડુપ્લિકેટ લોકોએ ડુપ્લિકેટ નોટો ઉછાળી વિકાસ વિરોધી વિપક્ષની માનસિકતા છતી કરી છે. તેઓએ આજની બેઠકમાં બજેટ ઉપરાંત બાંધકામ, પાણી પુરવઠા અને સેનિટેશન સહિતના વિકાસના કામો સહિત માનસરોવર તળાવમાં સીસીટીવી કેમેરા અને સાઉન્ડ સિસ્ટમને મંજૂરી અપાઈ હોવાનું જણાવ્યું હતું.
આજથી પાલિકામાં વહીવટદારનું શાસન..!
પાલનપુર નગરપાલિકાની વર્તમાન બોડીની મુદત પૂર્ણ થઈ છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા માર્ચમાં મુદ્દત પૂર્ણ થતી 71 નગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂંક કરી છે. જેને લઈને પાલનપુર નગર પાલિકામાં પણ પાલનપુર પ્રાંત અધિકારીની વહીવટદાર તરીકે નિમણૂંક થતા હવે પાલનપુર નગરપાલિકામાં આજથી વહીવટદારનું શાસન આવી જશે. જોકે, એપ્રિલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થવાની સાથે મે મહિનામાં ચૂંટણી યોજાશે તેવું રાજકીય વિશ્લેષકોમાં ચર્ચાસ્પદ બન્યું છે.



