ફારુક અબ્દુલ્લા અને જમ્મુ કાશ્મીરના નાયબ મુખ્યમંત્રી સુરેન્દ્ર ચૌધરી જમ્મુમાં એક લગ્ન સમારોહમાં હાજરી આપી રહ્યા હતા ત્યારે સમારોહમાં હાજર એક વ્યક્તિએ ગોળીબાર કર્યો. એવું લાગતું હતું કે પૂર્વ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી જ લક્ષ્ય હતા. જોકે, ગોળીબાર કરનાર વ્યક્તિની પોલીસે અટકાયત કરી છે અને તેણે આવું કેમ કર્યું તે અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. ગોળીબારમાં ફારુક અબ્દુલ્લા અને નાયબ મુખ્યમંત્રી બંને સુરક્ષિત છે. હુમલાખોરની ઓળખ જમ્મુના સ્થાનિક રહેવાસી કમલ સિંહ જામવાલ તરીકે થઈ છે. પોલીસ હાલમાં ગોળીબાર પાછળના હેતુની તપાસ કરી રહી છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે 70 વર્ષથી વધુ ઉંમરનો આરોપી સ્થળની બહાર રાહ જોઈ રહ્યો હતો અને તેણે અબ્દુલ્લાને ગોળી મારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બે પોલીસકર્મીઓ – એક ઇન્સ્પેક્ટર અને એક સબ ઇન્સ્પેક્ટર – એ તેને કાબુમાં લીધો હતો, છતાં તેણે ગોળી ચલાવી હતી, જેના પછી તેને નિઃશસ્ત્ર કરીને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગોળીબારમાં કોઈને ઈજા થઈ નથી અને જામવાલ નશાની હાલતમાં હોવાનું કહેવાય છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે અબ્દુલ્લા અને ચૌધરી પાર્ટીના નેતા બી.એસ. ચૌહાણને તેમના પુત્રના લગ્નની શુભેચ્છા પાઠવવા આવ્યા હતા.

