બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના થરા ગામના વતની ધવલભાઈ રાઠોડનું સુરતના સુલતાનાબાદ ખાતે આવેલા એક રિહેબ સેન્ટરમાં શંકાસ્પદ સંજોગોમાં મોત થયું છે. ધવલભાઈને વ્યસન મુક્તિની સારવાર માટે 1 માર્ચ 2026 ના રોજ આ કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા, અને તે જ રાત્રે તેમનું અવસાન થયું હતું. આ ઘટનાને પગલે વઢીયાર ગોળ દરજી સુથાર સમાજ દ્વારા ન્યાયની માંગ સાથે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.
સમાજ દ્વારા મામલતદારને અપાયેલા આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે વ્યસન મુક્તિ કેન્દ્રના સંચાલકો દ્વારા યુવકને માથાના તેમજ કિડનીના ભાગે ઢોર માર મારવામાં આવ્યો હતો, જેના કારણે તેમનું મોત નીપજ્યું છે. સમાજે આ ઘટનાને ‘ક્રૂર હત્યા’ ગણાવી છે અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.આ બાબતની સમાજ દ્વારા મુખ્યમંત્રી સહિત ઉચ્ચસ્તરે પણ લેખિત રજૂઆતો કરવામાં આવી છે.

