બાલિકા પંચાયતના તાલીમ અંતર્ગત ૭૯ તાલીમાર્થીઓએ તાલીમ લીધી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ ICDS વિભાગ દ્વારા મિલેનરી હોટેલ, મોતીપુરામાં ‘બાલિકા પંચાયત’ તાલીમ મોડ્યુલ માટે પ્રશિક્ષકોની ત્રણ દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ ૭૯ તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. આ તાલીમ દરમિયાન પ્રથમ દિવસે ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડિનેટર દ્વારા બાલિકા પંચાયતના મહત્વ અને જીવન કૌશલ્ય વિશે માહિતી આપવામાં આવી હતી, જ્યારે બીજા દિવસે પોલીસ વિભાગના પ્રતિનિધિ દ્વારા સાયબર સુરક્ષા અંગે વિશેષ માર્ગદર્શન અપાયું હતું.
બાલિકા પંચાયત એ એક બિનરાજકીય અને અનૌપચારિક મંચ છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક નિર્ણય પ્રક્રિયામાં બાલિકાઓની ભાગીદારી વધારી લૈંગિક સમાનતા અને મહિલા સશક્તિકરણને વેગ આપવાનો તથા સમાજની માનસિકતામાં હકારાત્મક પરિવર્તન લાવવાનો છે. આ યોજના દ્વારા યુવા બાલિકાઓ શાસન પ્રણાલીમાં સક્રિય ભૂમિકા ભજવતા શીખે અને પ્રજાતાંત્રિક મૂલ્યો પ્રત્યે જાગૃત થાય તે માટે દર ૨૪મી જાન્યુઆરીએ ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’ ની રાજ્યવ્યાપી ઉજવણી પણ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારી પ્રજ્ઞાબેન ત્રિવેદી, પ્રોગ્રામ ઓફિસર ધૃતિબેન પુરોહિત, ગાંધીનગરથી વર્ષાબેન ચૌધરી સહિત શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ અને ડીઆરડીએ વિભાગના કર્મચારીઓ તેમજ મુખ્ય સેવિકાઓ અને ફિલ્ડ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.



