ડીસાના વડાવળ ગામે દરબાર જાગીરદાર સમાજે ૨૨ મુદ્દાઓ સાથે નવું સામાજિક બંધારણ અમલમાં મૂક્યું

ડીસાના વડાવળ ગામે દરબાર જાગીરદાર સમાજે ૨૨ મુદ્દાઓ સાથે નવું સામાજિક બંધારણ અમલમાં મૂક્યું

લગ્ન-મરણ પ્રસંગોમાં કેટલાક સામાજીક સુધારણા સાથે અફીણ-દારૂ-ડીજે અને ફટાકડાઓ પર પ્રતિબંધ

શિક્ષણ, શાંતિ અને જવાબદારી તરફ  સમાજનું ઐતિહાસિક પગલું

ડીસા તાલુકાના વડાવળ ગામમાં દરબાર જાગીરદાર સમાજે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લઈ ૨૨ મુદ્દાઓનું નવું સામાજિક બંધારણ અમલમાં મૂક્યું છે. ક્ષત્રિય દરબાર સમાજની કુળદેવી અંબાજી અને સપ્ત માતૃકાના સાનિધ્યમાં સમાજના આગેવાનો અને સભ્યોની ઉપસ્થિતિમાં આ નિયમોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું. સમાજને આધુનિક, જવાબદાર અને સંસ્કારી દિશામાં આગળ ધપાવવા માટે આ પગલું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.નવા બંધારણ મુજબ લગ્ન અને મરણ જેવા પ્રસંગોમાં અનાવશ્યક ખર્ચ, આડંબર અને જૂની પ્રથાઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ખાસ કરીને અફીણ, દારૂ, જુગાર, ડીજે પાર્ટી, ફટાકડા, ઘોળ પ્રથા અને વરવોડામાં પૈસા ઉડાડવાની રીત પર સદંતર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હલ્દી રસમ, બારણું રોકવાની પ્રથા, બોલામણાનું રાવણું અને ઢુંઢ જેવા રિવાજો બંધ કરવામાં આવ્યા છે.

લગ્ન પ્રસંગે મહેમાનોની સંખ્યા મર્યાદિત રાખવાની, જમણવારમાં સરળ મેનૂ રાખવાની અને નાસ્તાની પ્રથા બંધ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. દિકરી અને દિકરાના સગપણ તથા મામેરામાં નક્કી કરેલી મર્યાદા મુજબ રકમ અને વસ્તુઓ આપવાની-લેવાની વ્યવસ્થા ગોઠવાઈ છે. જન્મદિવસની પાર્ટીના બદલે સમાજની લાઈબ્રેરીમાં દાન કરવાની પ્રેરણા આપવામાં આવી છે. સમાજના આગેવાનોનું માનવું છે કે આ નિયમો યુવા પેઢીને શિક્ષણ અને સંસ્કાર તરફ પ્રેરિત કરશે અને આડંબરમુક્ત, શાંતિપૂર્ણ અને એકતા ભરેલું સામાજિક વાતાવરણ સર્જશે. નોંધપાત્ર છે કે આ બંધારણનો અમલ ન કરનાર વ્યક્તિ કે કુટુંબનો સામુહિક બહિષ્કાર કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *