ભારત સરકારના બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન અંતર્ગત સમાજમાં બાળ લગ્ન અંગે જાગૃતિ ફેલાય અને આ કુપ્રથા સંપૂર્ણ રીતે અટકે તેવા હેતુથી જિલ્લા વહીવટી તંત્ર, સમાજ સુરક્ષા વિભાગ, જિલ્લા બાળ સુરક્ષા એકમ, ગાયત્રી સેવા સંસ્થા તથા જસ્ટ રાઈટ ફોર ચિલ્ડ્રન એલાયન્સના સંયુક્ત આયોજનથી જિલ્લામાં બાળ લગ્ન મુક્ત જાગૃતિ રથની શરૂઆત કરવામાં આવી છે.
જિલ્લા કલેક્ટર કચેરી, પાટણ ખાતેથી જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ.પટેલ તથા જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયીએ જાગૃતિ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ જાગૃતિ રથ પાટણ જિલ્લાના વિવિધ ગામોમાં ફરીને બાળ લગ્નથી થતા સામાજિક, શૈક્ષણિક અને આરોગ્ય સંબંધિત નુકસાન અંગે લોકોને માહિતગાર કરશે તેમજ બાળ લગ્ન પ્રતિબંધક કાયદા વિશે વિસ્તૃત સમજ આપશે.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે બાળ લગ્ન અટકાવવાનું કાર્ય સમગ્ર સમાજની સામૂહિક જવાબદારી હોવાનું જણાવી સમાજમાંથી આ પ્રથાને જલ્દીથી નાબૂદ કરવા સર્વેને સક્રિય સહભાગી થવા આહવાન કર્યું હતું.પ્રસ્થાન કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી, ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન તથા સભ્યો, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, મહિલા અને બાળ વિકાસ કચેરીનો સ્ટાફ, ચાઈલ્ડ હેલ્પલાઈન 1098નો સ્ટાફ તેમજ સમાજ કાર્ય વિભાગના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત પહેલાં ગાયત્રી સેવા સંસ્થાના જિલ્લા કો-ઓર્ડિનેટર જયેશ પરમારે સંસ્થાના કાર્યો તથા બાળ લગ્ન મુક્ત રથ અભિયાન અંગે માહિતી આપી જિલ્લા વહીવટી તંત્રના સહયોગ માટે વિનંતી વ્યક્ત કરી હતી. સંસ્થાના કાર્યકરો કિરણ ડોડીયા અને વૈભવ મોદીએ કાર્યક્રમની પૂર્વ તૈયારીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

