મહેસાણામાં આંગણવાડી કાર્યકરો બહેનોની પડતર માંગણીઓને લઈ હડતાળ : કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

મહેસાણામાં આંગણવાડી કાર્યકરો બહેનોની પડતર માંગણીઓને લઈ હડતાળ : કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

રાજ્યભરમાં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોએ પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર સામે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. જેના ભાગરૂપે આજે મહેસાણા જિલ્લાની મોટી સંખ્યામાં આંગણવાડી બહેનોએ એકઠા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. શહેરના ઐતિહાસિક મહાત્મા ગાંધી બગીચા ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડેલી બહેનોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી પોતાની વેદના વ્યક્ત કરી હતી અને ત્યારબાદ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું.

આ વિરોધ પ્રદર્શનમાં મુખ્યત્વે નામદાર હાઈકોર્ટના ચુકાદાના અમલીકરણની માગ ઉઠી છે. આંગણવાડી કાર્યકર હેમાંગિનીબેને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાઈકોર્ટના આદેશ મુજબ કાર્યકર બહેનોને રૂ. 24,800 અને તેડાગર બહેનોને રૂ. 20,300 પગાર મળવો જોઈએ. પરંતુ સરકાર હજુ સુધી આ ચુકાદાનો અમલ કરી રહી નથી. હાલમાં કાર્યકર બહેનોને માત્ર રૂ.10,000 અને તેડાગર બહેનોને રૂ. 5,000 જેવું અત્યંત ઓછું માનદ વેતન આપવામાં આવે છે, જેની સામે મોંઘવારીના જમાનામાં ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે.

કાયમી કરવાની સાથે બઢતીની પણ માંગ

આંગણવાડી બહેનોએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે, સરકાર દ્વારા મોબાઈલ એપના માધ્યમથી ઓનલાઈન કામગીરીનું ભારણ વધારવામાં આવ્યું છે. બહેનોએ પોતાના અંગત ખર્ચે મોબાઈલ ખરીદીને સરકારી કામગીરી કરવી પડે છે. જેની સામે સરકાર ન તો નવા મોબાઈલ આપે છે કે ન તો કોઈ આર્થિક સહાય. આ ઉપરાંત પાયાના સ્તરે કામ કરતી આ મહિલાઓને વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારી ગણી કાયમી કરવામાં આવે અથવા ન્યૂનતમ વેતનના બદલે સન્માનજનક પગાર ધોરણ અને બઢતી આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.

ગાંધીનગર અને દિલ્હી સુધી ઉગ્ર આંદોલન ચીમકી ઉચારી

મહેસાણા ખાતે એકઠી થયેલી બહેનોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો સરકાર વહેલી તકે હાઈકોર્ટના ચુકાદા મુજબ પગાર વધારો નહીં કરે અને તેમની અન્ય માંગણીઓ નહીં સંતોષે તો તેઓ આ લડતને સુપ્રીમ કોર્ટ સુધી લઈ જશે. આગામી સમયમાં ગાંધીનગર અને દિલ્હી સુધી ઉગ્ર આંદોલન કરવાની પણ તેઓએ તૈયારી બતાવી છે.

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *