ડીસા નજીક નાણી એરફોર્સ સ્ટેશનને સિવિલ એવિએશન માટે કેન્દ્રની મંજૂરી

ડીસા નજીક નાણી એરફોર્સ સ્ટેશનને સિવિલ એવિએશન માટે કેન્દ્રની મંજૂરી

4500 એકર વિસ્તારમાં વિકસશે ઉત્તર ગુજરાતનો સૌ પ્રથમ એરપોર્ટ

3.3 કિલોમીટર રનવે સાથે ગુજરાતના સૌથી મોટા એરપોર્ટમાં સ્થાન પામશે

ઉત્તર ગુજરાતની છેલ્લા અનેક વર્ષોથી ચાલી આવતી મહત્વની માંગણીને અંતે કેન્દ્ર સરકારે સ્વીકારી છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા નજીક આવેલા નાણી ગામે સ્થિત એરફોર્સ સ્ટેશનને સિવિલ એવિએશન તરીકે ઉપયોગમાં લેવા કેન્દ્ર સરકાર દ્વારા સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણય સાથે ઉત્તર ગુજરાતને તેનો સૌ પ્રથમ સિવિલ એરપોર્ટ મળવાનો માર્ગ ખુલ્યો છે, જેને કારણે સમગ્ર વિસ્તારમાં વિકાસની નવી દિશા શરૂ થશે.

ડીસા શહેરથી અંદાજે 18 કિલોમીટર દૂર આવેલા નાણી ગામે આવેલું એરફોર્સ સ્ટેશન હવે ડ્યુઅલ યુઝ એરપોર્ટ તરીકે કાર્ય કરશે. એટલે કે આ એરપોર્ટ એક સાથે ભારતીય વાયુસેનાના લશ્કરી હેતુઓ માટે તેમજ સિવિલ એવિએશન માટે ઉપયોગમાં લેવાશે. કુલ 4500 એકર જેટલી વિશાળ જમીનમાં ફેલાયેલો આ એરપોર્ટ છે, જેમાં પ્રથમ તબક્કામાં આશરે 100 એકર વિસ્તારમાં આધુનિક ટર્મિનલ બિલ્ડિંગ, મુસાફરો માટેની સુવિધાઓ અને જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવશે, તેમ સૂત્રો જણાવે છે.

ઉત્તર ગુજરાતમાં વેપાર, ખેતી અને ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર ગણાતા ડીસા અને આસપાસના વિસ્તારો માટે આ એરપોર્ટ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. એરપોર્ટ શરૂ થતાં બનાસકાંઠા ઉપરાંત પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને કચ્છના કેટલાક વિસ્તારોને પણ સીધી હવાઈ સુવિધા મળશે. જેના કારણે વેપાર, પ્રવાસન, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થશે.આ એરપોર્ટ માટે લાંબા સમયથી સ્થાનિક ધારાસભ્યો અને આગેવાનો દ્વારા રજૂઆતો કરવામાં આવી રહી હતી. ડીસાના સ્થાનિક ધારાસભ્ય અને હાલ રાજ્યકક્ષાના વાહન વ્યવહાર તથા વન-પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી, ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તેમજ બનાસકાંઠા જિલ્લાના આગેવાનોની માંગને ધ્યાને લઈ કેન્દ્ર સરકારે આ મહત્વપૂર્ણ મંજૂરી આપી છે.વિશેષ ઉલ્લેખનીય બાબત એ છે કે નાણી એરપોર્ટને 3.3 કિલોમીટર લાંબો રનવે મળશે, જે ગુજરાતના સૌથી મોટા રનવે પૈકીનો એક ગણાશે. આ ઐતિહાસિક નિર્ણયથી ઉત્તર ગુજરાતના આર્થિક અને સામાજિક વિકાસને નવી ઊંચાઈ મળશે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *