વિસનગર શહેરમાં આવેલી ઈશ્વર પેથોલોજી લેબોરેટરીમાં થયેલી ₹6.50 લાખની ચોરીનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને ચોરીનો તમામ મુદ્દામાલ રિકવર કરી લેવાયો છે. ચોરી પાછળ લેબોરેટરીના ભૂતપૂર્વ કર્મચારીનો બદલો લેવાનો ઈરાદો હોવાનું સામે આવ્યું છે. શહેરના બસ સ્ટેન્ડ સામે ઉમા માર્કેટના પ્રથમ માળે દિનેશચંદ્ર રામજીભાઈ પટેલ છેલ્લા બે વર્ષથી ‘ઈશ્વર પેથોલોજી લેબોરેટરી’ ચલાવે છે. ગત 27 જાન્યુઆરી 2026ની રાત્રે તેઓ લેબોરેટરી બંધ કરીને ઘરે ગયા હતા. બીજા દિવસે સવારે કર્મચારી પાર્થ ત્યાં પહોંચતા લેબોરેટરીમાંથી કિંમતી સાધનો ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું. ચોરી થયેલા સાધનોમાં હિમોગ્રામ મશીન, બાયોકેમેસ્ટ્રી મશીન અને હોર્મોન મશીન સહિત કુલ ₹6,50,000નો મુદ્દામાલ સામેલ હતો.
આ ઘટના અંગે વિસનગર શહેર પોલીસે ફરિયાદ નોંધી પી.આઈ. કે.બી. પટેલના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં લેબોરેટરીના દરવાજા સાથે કોઈ તોડફોડ ન થઈ હોવાનું જાણવા મળ્યું હતું, જેના કારણે ચોરીમાં કોઈ જાણભેદુ સામેલ હોવાની કે ડુપ્લીકેટ ચાવીનો ઉપયોગ થયો હોવાની શંકા દ્રઢ બની હતી. પોલીસે સ્થાનિક ચાવી બનાવનારાઓની પૂછપરછ કરતા મહત્વની કડીઓ મળી હતી. પોલીસે આ ગુનામાં ખેરાલુના રહેવાસી હાર્દિક લાલજીભાઈ સથવારા અને અનિલજી ચંદુજી ઠાકોરની અટકાયત કરી હતી. પૂછપરછ દરમિયાન હાર્દિકે કબૂલ્યું હતું કે તે અગાઉ આ જ લેબોરેટરીમાં નોકરી કરતો હતો. લેબોરેટરીના માલિક સાથે તેને ₹70,000ના હિસાબ બાબતે વિવાદ ચાલતો હતો. આ આર્થિક મનદુઃખનો બદલો લેવા માટે તેણે ચોરીનું આયોજન કર્યું હતું.
હાર્દિકે તેના મિત્ર અને લેબોરેટરીના વર્તમાન કર્મચારી પાર્થ પાસેથી એક્ટિવાની ચાવી મેળવી હતી. આ ચાવીના ઝૂમખામાં લેબોરેટરીની ચાવી પણ હતી, જેની તેણે ડુપ્લીકેટ ચાવી બનાવી લીધી હતી. આ ડુપ્લીકેટ ચાવીની મદદથી તેણે રાત્રિના સમયે આરામથી લેબોરેટરી ખોલીને મોંઘા મશીનોની ચોરી કરી હતી. પોલીસે હાલ તમામ ચોરી થયેલા મશીનો જપ્ત કરી લીધા છે અને બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

