ડીસા માર્કેટયાર્ડમાં સોમવારે 2500 બોરીની આવક સાથે પ્રતિમણ 1,200 થી 1,340 સુધીના ભાવ મળ્યા
બનાસકાંઠામાં 1,66,280 હેક્ટરમાં રાયડાનું વાવેતર, ધાનેરા અને થરાદમાં સૌથી વધુ વાવેતર
બનાસકાંઠા જિલ્લામાં રવિ સિઝનની લણણી પ્રક્રિયા શરૂ થતાં જ જિલ્લાની વિવિધ માર્કેટયાર્ડોમાં નવા રાયડાની આવક વધવા લાગી છે. નવા પાકની બજારમાં આવક સાથે જ ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા હોવાથી ખેડૂત વર્ગમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ડીસા માર્કેટયાર્ડમાં સોમવારે રાયડાની આશરે 2500 બોરીની આવક નોંધાઈ હતી, જ્યાં ખેડૂતોને પ્રતિમણ 1,200 થી 1,340 સુધીના ભાવ મળ્યા હતા.
ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા રાયડાનો ટેકાનો ભાવ રૂઉ1,240 પ્રતિમણ જાહેર કરવામાં આવ્યો છે. તે સામે હાલમાં માર્કેટયાર્ડોમાં સૂકા રાયડાનો ભાવ 1,350 રૂપિયા આસપાસ મળી રહ્યો છે, જે ટેકાના ભાવ કરતા વધુ હોવાથી ખેડૂતોને આર્થિક રીતે ફાયદો થતો જોવા મળી રહ્યો છે. સારા ભાવના કારણે ખેડૂતો પોતાની ઉપજ બજારમાં લાવવા માટે ઉત્સાહિત બન્યા છે. બૃહદ બનાસકાંઠા જિલ્લામાં રાયડાનું વાવેતર મોટા પાયે કરવામાં આવ્યું છે. જિલ્લામાં કુલ 1,66,280 હેક્ટર વિસ્તારમાં રાયડાનું વાવેતર નોંધાયું છે, જેમાં ધાનેરા અને થરાદ તાલુકામાં સૌથી વધુ રાયડાનું વાવેતર થયેલ છે. આ વિસ્તારોમાંથી આવનારા સમયમાં માર્કેટયાર્ડોમાં રાયડાની આવકમાં વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ બાબતે કેટલાક વેપારીઓના જણાવ્યા મુજબ હવામાન અનુકૂળ રહેતા અને પાકની ગુણવત્તા સારી હોવાથી ભાવમાં સ્થિરતા રહેવાની આશા છે. આગામી દિવસોમાં બનાસકાંઠાની વિવિધ માર્કેટયાર્ડોમાં રાયડાની નોંધપાત્ર આવક થતાં બજારમાં વધુ ચહલપહલ અને ખેડૂતો માટે લાભદાયી પરિસ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ રહેલી છે


