સાબરકાંઠા જિલ્લામાં આગામી 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે હિંમતનગરના મોતીપુરમાં રિહર્સલ યોજાયું હતું. આ રિહર્સલ જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.જિલ્લાકક્ષાની આ ઉજવણી હિંમતનગરના મોતીપુરમાં આવેલી APMC ફાર્મસી કોલેજ કેમ્પસમાં થવાની છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમના સ્થળે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં ઉજવણીની આખરી તૈયારીના ભાગરૂપે આ રિહર્સલ યોજાયું હતું. રિહર્સલ દરમિયાન ઉપસ્થિત સૌ દ્વારા રાષ્ટ્રગાન ગાઈ ત્રિરંગાને સલામી આપવામાં આવી હતી. કલેક્ટરે પરેડનું નિરીક્ષણ કર્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરાયા હતા.
આ રિહર્સલમાં જિલ્લા પોલીસવડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, નિવાસી અધિક કલેક્ટર ક્રિષ્ના વાઘેલા, પ્રાંત અધિકારી વિમલ ચૌધરી સહિત વિવિધ અમલીકરણ અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.


