કારનો કુરચો બોલી ગયો: અન્ય સવારો ગંભીર ઈજાગ્રસ્ત, સમગ્ર પંથકમાં શોકની લહેર
ડીસા-પાટણ હાઇવે પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે જઈ રહેલી એક ઈનોવા કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર માર્ગ સાઈડના ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ગમખ્વાર દુર્ઘટનામાં થરી ઠક્કર સમાજના એક આશાસ્પદ યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે.
મળતી વિગતો અનુસાર, ડીસા-પાટણ હાઇવે પરથી પસાર થઈ રહેલી ઈનોવા કાર અચાનક બેકાબૂ બની ગઈ હતી. ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર રસ્તા નીચે ઉતરી ગઈ હતી અને સીધી એક તોતિંગ ઝાડ સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે કારના આગળના ભાગનો કુરચો બોલી ગયો હતો અને કારમાં સવાર લોકો અંદર ફસાઈ ગયા હતા.આ અકસ્માતમાં ભાવિન કમલેશભાઈ ઠક્કર નામના યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. મૃતક યુવક થરી ઠક્કર સમાજનો હોવાનું સામે આવતા ડીસા પંથક સહિત સમગ્ર ઠક્કર સમાજમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે. એક આશાસ્પદ યુવકના નિધનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.અકસ્માત બાદ આસપાસના લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. કારમાં સવાર અન્ય ઈજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને અકસ્માત અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

