ગાંધીનગર,
આઇ.ટી.આઇ. ધોલેરા સાથે TATA IIS અને TATA Semiconductor Manufacturing Private Limited દ્વારા Ultra High Purity Welding Trainingના પ્રોગ્રામ શરૂ કરાવા MOU કરાયા
રોજગાર અને તાલીમ નિયામક કચેરીના નવીનીકરણ બાદ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ગાંધીનગર ખાતે ડો. જીવરાજ મહેતા ભવનના બ્લોક નં. ૧ના ત્રીજા માળે નવીન કચેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્ય મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયાની વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા.
મંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોની હાજરીમાં આઇ.ટી.આઇ. ધોલેરા સાથે TATA IIS અને TATA Semiconductor Manufacturing Private Limited દ્વારા Ultra High Purity Welding Trainingના પ્રોગ્રામ શરૂ કરાવા પરસ્પર સમજૂતી કરાર-MOU કરવામાં આવ્યા હતા.
આ ઉદ્ઘાટન પ્રસંગે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, આશરે ૬ હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં સંપૂર્ણ આધુનિકીકરણ સાથેની આ કચેરીમાં કર્મયોગીઓ માટે સ્વચ્છતા તેમજ હવા ઉજાસ જળવાઈ રહે તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત હાઇસ્પીડ ઇન્ટરનેટ સુવિધા, ઉચ્ચ ગુણવત્તાની લાઇટિંગ સિસ્ટમ, કર્મચારીઓ તથા મહેમાનો માટે રિફ્રેશમેન્ટ રૂમ, અધિકારીઓ માટે ૧૪ ઓફિસ, કર્મચારીઓ માટે ૪૮ વર્ક-સ્પેસ તેમજ મહત્વપૂર્ણ દસ્તાવેજો માટે સુવ્યવસ્થિત સ્ટોરેજ સુવિધા પણ અહી ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આ કચેરીના નવીનીકરણથી રાજ્યના યુવાનોને રોજગાર અને કૌશલ્ય વિકાસ સંબંધિત સેવાઓ વધુ ઝડપી તેમજ અસરકારક રીતે આપી શકાશે. આ ઉપરાંત અધિકારીઓ-કર્મચારીઓની કાર્યદક્ષતામાં વધારો થશે તેમજ રાજ્યમાં વ્યવસાયલક્ષી તાલીમની યોજનાઓના અમલીકરણને વધુ વેગ મળશે.
આ પ્રસંગે રાજ્ય મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયાએ કહ્યું હતું કે, વિવિધ ઉદ્યોગો અને સેવાક્ષેત્રને લગતી જુદા જુદા ક્ષેત્રે વિકસતી જતી ટેકનોલોજી આધારિત વ્યવસાયલક્ષી તાલીમ પૂરી પાડી કુશળ માનવબળ તૈયાર કરી રોજગારી-સ્વ રોજગારી મેળવવામાં સહાયભૂત થવા નિયામકશ્રી રોજગાર અને તાલીમની કચેરી સતત કાર્યરત છે.
રાજ્ય મંત્રી શ્રી અમૃતિયાએ ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ગુણવત્તાયુક્ત સેવા અને માનવ સંશાધન વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરી રહી છે. જે અંતર્ગત આજે કરવામાં આવેલા સમજૂતી કરારથી આઇ.ટી.આઇ. ધોલેરા દેશની પ્રથમ Semiconductor Ready આઇ.ટી.આઇ. તરીકે વિકસિત થશે અને Semiconductor ક્ષેત્રમાં કુશળ માનવબળ તૈયાર કરવાની કામગીરીને વેગ મળશે.
આ પ્રસંગે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર સચિવ શ્રી લોચન સહેરા, રોજગાર અને તાલીમ નિયામક શ્રી કે.ડી.લાખાણી, કૌશલ્ય અને વિકાસ નિયામક શ્રી કે.જે.રાઠોડ સહિત કચેરીના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

