પાલનપુર શહેરના વોર્ડ નં.1ના ઢૂંઢીયાવાડી વિસ્તારમાં દેવ ચેમ્બર્સના પાછળના ભાગમાં સફાઈના અભાવે ગટરો ઉભરાઈ રહી છે. ચેમ્બરોમાંથી પણ ગટરોનું ગંદુ પાણી બેક મારતા અહીં ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે સ્થાનિક રહીશો એ સત્વરે સફાઈ કરાવવાની માંગ કરી છે.
પાલનપુરના ઢૂંઢીયાવાડી વિસ્તારમાં દેવ ચેમ્બર્સ પાછળના ભાગમાં રહેણાંક મકાન આવેલા છે. જ્યાં જગદીશ ભાઈ, અશોકભાઈ અને શારદાબેન ઠાકોર સહિતના 20 જેટલા રહેણાંક મકાનો આગળ ગંદકીનું સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું છે. આ વિસ્તારમાં નિયમિત સફાઈ થતી ન હોઈ ગટરો ઉભરાઈ રહી છે. તો વળી ચેમ્બરોની પણ સફાઈ ન થતા ગટરનું ગંદુ પાણી બેક મારે છે. જેથી અહીં ગંદા પાણીનું મીની તળાવ ભરાતા લીલ બાઝી જવાની સાથે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. તથા માથું ફાટી જાય તેવી તીવ્ર દુર્ગંધ મારતી હોઈ રોગચાળો ફેલાવવાની દહેશત સ્થાનીક રહીશો વ્યક્ત કરી રહયા છે.
આ અંગે સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, પાલિકા દ્વારા સફાઈ પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરવા છતાં અમારા વિસ્તારમાં નિયમિત સફાઈ થતી ન હોઈ હાલમાં અમો નર્કાગારની પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. ત્યારે સ્થાનિક નગરસેવકો સાંભળતા ન હોઈ પાલિકા તંત્ર સત્વરે આ સમસ્યાને હલ કરે તેવી માંગ ઉઠી છે.

